હિરાની ‘મુન્નાભાઈ 3’ બનાવે એવી સંજયની ઈચ્છા

મુંબઈઃ પોતાની કોમેડી હિન્દી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ને 19 વર્ષ થયા છે ત્યારે અભિનેતા સંજય દત્તે તેના ચાહકોને વિનંતી કરી છે કે તેઓ દિગ્દર્શક રાજકુમાર હિરાનીને આગ્રહ કરે કે તેઓ ‘મુન્નાભાઈ 3’ ફિલ્મ બનાવે. સંજયે નાગપુરમાં ઈશ્વર દેશમુખ કોલેજના સાંસ્કૃતિક મહોત્સવમાં મુખ્ય અતિથિપદેથી કરેલા સંબોધનમાં કહ્યું હતું કે, ‘મેં તો રાજુ હિરાનીને ‘મુન્નાભાઈ 3’ બનાવવાની ઘણી વિનંતીઓ કરી છે. એ નાગપુરના રહેવાસી છે એટલે હું નાગપુરવાસીઓને વિનંતી કરું છું કે તેઓ હિરાનીને ‘મુન્નાભાઈ 3’ બનાવવાનો આગ્રહ કરે.’ સંજયના સૂચનને ઓડિટોરિયમમાં હાજર લોકોએ જોરદાર તાળીઓ પાડીને અને હર્ષનાદો કરીને વધાવી લીધું હતું.

રાજકુમાર હિરાનીએ ‘મુન્નાભાઈ’ની સિક્વલ તરીકે ‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મ બનાવી હતી. એમાં સંજય દત્ત ઉપરાંત, વિદ્યા બાલન, બોમન ઈરાની, દિલીપ પ્રભાવળકર, જિમી શેરગિલ, કુલફૂષણ ખરબંદા, સૌરભ શુક્લા, પરિક્ષિત સાહની જેવા કલાકારો હતા. એ ફિલ્મે શ્રેષ્ઠ લોકપ્રિય મનોરંજક ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો હતો. સંજય દત્તની આગામી નવી ફિલ્મો છેઃ ‘પૃથ્વીરાજ’, ‘શમશેરા’ અને ‘કેજીએફઃ ચેપ્ટર 2’.