નવી દિલ્હી/મુંબઈ: શિવસેનાના અડધાથી પણ વધારે વિધાનસભ્યોને લઈને ઉદ્ધવ ઠાકરેની નેતાગીરી સામે બળવો પોકારનાર પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ શિંદેએ ઠાકરેને મહારાષ્ટ્ર તથા દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. શિંદે તથા એમના સાથી વિધાનસભ્યો સુરતમાં જતા રહ્યા હોવાનો અહેવાલ છે. એમને મનાવવા માટે મુંબઈમાંથી શિવસેનાનું એક પ્રતિનિધિમંડળ સુરત રવાના થયું છે. ઠાકરે બાંધછોડ કરવાનો શિંદેએ પ્રસ્તાવ મોકલ્યો છે. એમણે કહ્યું છે કે જો શિવસેના મહારાષ્ટ્રમાં ભાજપ સાથે મળીને સરકાર રચે તો પોતે બળવાનો અંત લાવી દેશે. શિંદેએ આ પ્રસ્તાવમાં વધુમાં જણાવ્યું છે કે, પોતાને મુખ્ય પ્રધાન બનાવવા અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બને.
મહારાષ્ટ્રમાં હાલ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે, જેને મહાવિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે. દરમિયાન, નવી દિલ્હીમાં, એનસીપી પ્રમુખ શરદ પવારે પત્રકાર પરિષદમાં કહ્યું કે શિંદેના બળવાના પ્રકરણમાં શિવસેનાની ભૂમિકા જાણ્યા વગર પોતે કોઈ પણ નિર્ણય લેશે નહીં. મહારાષ્ટ્રમાં ઊભી થયેલી રાજકીય કટોકટી અંગે પવારે કહ્યું કે રાજ્યમાં અમારી સરકાર છેલ્લા અઢી વર્ષથી સરસ રીતે ચાલી રહી છે. શિંદેનો બળવો એ શિવસેનાનો આંતરિક મામલો છે. ઉદ્ધવ ઠાકરે એમના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અમારા પક્ષની પણ બેઠક થશે. ત્યારબાદ અમે ઠાકરે સાથે ચર્ચા કરીશું. હાલ શરૂ થયેલી કટોકટી દૂર કરવામાં કોઈક માર્ગ નીકળશે એવો વિશ્વાસ પવારે વ્યક્ત કર્યો છે. એમણે એમ પણ કહ્યું કે શિંદેએ પોતે ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે અને એમને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા છે એવું અગાઉ ક્યારેય અમને જણાવ્યું નહોતું.
