નવી દિલ્હીઃ હરિયાણામાં આપ પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન તૂટવાની અણી પર છે. સીટ વહેંચણીને મુદ્દે બંને પક્ષો વચ્ચે સહમતી નથી સધાઈ રહી. કોંગ્રેસ આપને પાંચ સીટો આપવા રાજી છે અને કોંગ્રેસના મોટા નેતા હુડ્ડા સહિત એના પર સહમત છે, પણ સામે પક્ષે આમ આદમી પાર્ટી 10 સીટો માગી રહી છે.
આપ પાર્ટી હવે રાજ્યમાં 50 સીટો પર ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે. રવિવાર સુધી પાર્ટીની પહેલી યાદી આવવાની સંભાવના છે. બીજી બાજુ, કોંગ્રેસે 66 સીટો પર ઉમેદવારોનાં નામ નક્કી કરી લીધાં છે, પણ સાવચેતી રૂપે એની ઘોષણા નથી કરી. પ્રાપ્ત માહિતી અનુસાર 24 સીટો પર કોંગ્રેસ આજે ઘોષણા કરે એવી શક્યતા છે. પાર્ટી ઘોષણા બળવાના ડરે નથી કરી, કેમ કે ભાજપમાં ટિકિટ નહીં મળવાની અનેક ઉમેદવારો બળવો કરી રહ્યા છે.
કોંગ્રેસમાં આજે સામેલ થયેલા વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાની ટિકિટ પાકી છે. જોકે પાર્ટી આ વખતે 10 વિધાનસભ્યોની ટિકિટ કાપી રહી છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હરિયાણાની ચૂંટણીમાં લોકસભા ચૂંટણીવાળું ગઠબંધન આગળ વધારવા ઇચ્છે છે, પણ સ્થાનિક નેતાઓ એનો વિરોધ કરી રહ્યા છે. ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, દીપેન્દ્ર હુડ્ડા તો અંદરખાને વિરોધ કરી રહ્યા છે, પણ હવે કેપ્ટન અજય યાદવ પણ ગઠબંધનના વિરોધમાં ઊતરી આવ્યા છે. બીજી બાજુ, આમ આદમી પાર્ટીની સાથે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પણ તૈયાર નથી થઈ શકી. આમ આપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે એક સાંધો ત્યાં તેર તૂટેનો ઘાટ છે.