દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યા ઉકેલવાની હરભજન સિંહે પીએમ મોદીને અપીલ કરી

નવી દિલ્હી – ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે દિલ્હીમાં હવાના જોખમી પ્રદૂષણના વધી ગયેલા સ્તર અંગે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્વરિત પગલાં લે.

39 વર્ષીય ઓફ્ફ સ્પિનર હરભજન સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ મારફત વડા પ્રધાનને અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં છેલ્લા અમુક દિવસોથી હવાનું પ્રદૂષણ અને ધૂમ્મસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને એને કારણે દ્રશ્ય-શ્રાવ્યતા અત્યંત ઓછી થઈ ગઈ છે.

હરભજન સિંહે એક વિડિયો દ્વારા પોતાનું અપીલરૂપી નિવેદન રિલીઝ કર્યું છે.

એણે કહ્યું છે કે દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણને લગતી હાલની પરિસ્થિતિમાં સુધારો લાવવામાં હું મારાથી શક્ય કોઈ પણ પ્રકારની મદદ કરવા તૈયાર છું.

હરભજન સિંહે કહ્યું છે કે હું માત્ર દિલ્હી જ નહીં, પણ ઉત્તર ભારતમાં પ્રવર્તતા પ્રદૂષણ વિશે બોલવા ઈચ્છું છું. મારા સહિત આપણને સૌને એ લાગુ પડે છે. આપણે સૌ કોઈકને કોઈક રીતે પર્યાવરણને હાનિ પહોંચાડીએ છીએ. છેલ્લા અમુક વર્ષોથી આપણે એ પણ શીખ્યા છીએ કે આપણે જે ઘાસચારો બાળીએ છીએ એનાથી પણ ઘણું પ્રદૂષણ થાય છે.

પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા દરેક બાળકને પ્રદૂષણથી નુકસાન થાય છે. આપણને એ પણ જાણવા મળ્યું છે કે જો આપણે આવી પ્રવૃત્તિ કરવાનું ચાલુ રાખીશું તો આપણું આયુષ્ય 7-10 વર્ષ જેટલું ઘટી જશે. એટલે આપણે આ બાબતમાં પગલાં ભરવાની જરૂર છે, એમ હરભજન સિંહે વધુમાં કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગઈ 3 નવેંબરના રવિવારે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત સામે રમાઈ ગયેલી પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ વખતે બાંગ્લાદેશના ઓપનર સૌમ્ય સરકારને ઉલટી થઈ ગઈ હતી. એ પહેલાં અન્ય બેટ્સમેન લિટન દાસે પણ એની આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. 3 નવેંબરે તો પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. એર ક્વાલિટી ઈન્ડેક્સ 473 પર પહોંચી ગયો હતો.

(જુઓ, વડા પ્રધાન મોદીને હરભજન સિંહની અપીલનો વિડિયો)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]