બ્રિટનની કોર્ટમાં નીરવ મોદીની જામીન અરજી પર સુનાવણી

લંડનઃ પીએનબી બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની જામીન અરજી પર યુકેની કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે. તેણે 30 ઓક્ટોબરે અરજી દાખલ કરી હતી. નીરવ મોદીએ કહ્યું કે તે બેચેની અને નિરાશામાં છે. આ પહેલા 4 વખત જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. નીરવ 7 મહિનાથી લંડનની વેડ્સવર્થ જેલમાં છે. ભારતની અપીલ પર પ્રત્યાર્પણ વોરન્ટ ઈસ્યુ થયા બાદ લંડન પોલીસે 19 માર્ચે તેની ધરપકડ કરી હતી.

નીરવના વકીલે અગાઉ મોદીના જામીન માટે દલીલ કરી હતી કે કસ્ટડી ખૂબ જ લાંબી ખેંચવામાં આવી છે અને તેને નુકસાન થઈ રહ્યું છે. તે જામીન માટે કોર્ટની કોઈ પણ શરત માનવા તૈયાર છે. નીરવના વકીલોએ ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી નજર રાખવા અને 20 લાખ પાઉન્ડના જામીન બોન્ડ ભરવા જેવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, જોકે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે કહ્યું હતું કે નીરવ એક મોટા કૌભાંડમાં આરોપી છે. જામીનના બોન્ડની રકમ વધવાથી તેનું ભાગવાનું જોખમ ઓછું થતું નથી. નીરવની જામીન અરજીને યુકે હાઈકોર્ટે પણ ફગાવી દીધી છે.

બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ)ના એક પ્રવક્તાએ કહ્યું કે, જામીન અરજી પર બુધવારે 6 નવેમ્બરે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં સુનાવણી થશે. સુનાવણી પહેલા અરજીના આધારને જાહેર ન કરી શકાય. સીપીએસ નીરવ મોદીના ભારત પ્રત્યર્પણ મામલે ભારત સરકારનો પક્ષ અદાલતમાં રાખી રહી છે.