નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહો- લોકસભા અને રાજ્યસભામાં સોમવારૈ પણ બજેટ પર ચર્ચા થઈ હતી. 23 જુલાઈએ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સતત સાતમી વાર બજેટ રજૂ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આ બજેટ ભેદભાવપૂર્ણ છે અને એમાં બે રાજ્ય- બિહાર અને આંધ્ર પ્રદેશ માટે ઘોષણા કરવામાં આવી હતી, જ્યારે કેટલાંય રાજ્યોનાં નામ પણ લેવામાં નહોતાં આવ્યાં.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતો માત્ર MSPની કાનૂની ગેરન્ટી માગી રહ્યા છે. હું સંસદમાં વચન આપું છું કે ઇન્ડિયા ગઠબંધન આવું કરીને બતાવશે. મિડલ ક્લાસે વડા પ્રધાનને સપોર્ટ કર્યો છે, પરંતુ બજેટ પછી સ્થિતિ બદલી છે. વડા પ્રધાન મોદીએ કોવિડના સમયમાં મિડલ ક્લાસ પાસે થાળી વગડાવી હતી અને લાઇટ પણ દર્શાવવા કહ્યું હતું. હવે આ બજેટમાં મિડલ ક્લાસમાં એક છરો પીઠમાં માર્યો છે અને બીજો છરો છાતીમાં. ઇન્ડેક્શનને કેન્સલ કરીને પીઠમાં છરો માર્યો છે અને ફરી કેપિટલ ગેન્સ ટેક્સ વધાર્યો છે, એના દ્વારા છાતીમાં છરો માર્યો છે.
બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સને 10 ટકાથી 12 ટકા કર્યો છે. શોર્ટ ટર્મને 15 ટકાથી 20 ટકા કર્યો છે. ઇન્ડિયા ગઠબંધન માટે હવે એક છુપાયેલો સંદેશ છે કે મિડલ ક્લાસ હવે સરકારને છોડવા જઈ રહ્યો છે અને આ તરફ આવી રહ્યો છે. તમે ચક્રવ્યૂહ બનાવી દો છે અને અમે એને તોડવાનું કામ કરીએ છીએ.