દેશભરનાં પાંચ કરોડ શેરડી ઉત્પાદક ખેડૂતો માટે ખુશખબર; મોદી સરકારે FRP વધારી

નવી દિલ્હીઃ દેશભરનાં શેરડી ઉત્પાદક ખેડૂતોનાં હિતમાં મોદી સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખરીફ પાકની એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) વધાર્યા બાદ હવે શેરડીની ખેતી કરનારાઓને ભેટ આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આર્થિક બાબતો અંગેની કેબિનેટ કમિટીની આજે અહીં મળેલી બેઠકમાં, વર્ષ 2023-24 માટે શેરડીની એફઆરપી કિંમત (ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઈસ – વાજબી અને મહેનતાણું કિંમત) વધારીને રૂ. 315 પ્રતિ ક્વિન્ટલ નિશ્ચિત કરી દીધી છે. ગયા વર્ષે આ કિંમત રૂ. 305 હતી. આ વર્ષે તેમાં 10 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયથી દેશભરનાં આશરે પાંચ કરોડ શેરડી કિસાનોને લાભ થશે.

એફઆરપી એ લઘુત્તમ કિંમત છે જે ભાવે સાકરની મિલો ખેડૂતો પાસેથી શેરડી ખરીદે છે.

વર્ષ 2014-15ની મોસમમાં શેરડીની એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂ. 210 હતી, જે હવે રૂ. 315 થઈ ગઈ છે. વર્ષ 2023-24ની ખાંડ મોસમ માટે શેરડી ઉત્પાદનનો ખર્ચ પ્રતિ ક્વિન્ટલ રૂ. 157 અંદાજવામાં આવ્યો છે.

સરકારે આ ઉપરાંત ખાતર ક્ષેત્ર માટે યૂરિયા ગોલ્ડ સ્કીમ અને ‘પીએમ-પ્રણામ’ યોજનાને મંજૂરી આપી દીધી છે. સરકાર એવા રાજ્યોને ખાસ સવલત આપશે જેઓ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડશે.