નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષથી લાગુ કરેલા, પણ વિવાદાસ્પદ બની ગયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામેના વિરોધમાં છેલ્લા બે મહિના કરતાંય વધારે સમયથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન-ધરણા કરી રહેલા ખેડૂતો સાથે આ મુદ્દે ચર્ચા કરવા અને આંદોલનનો અંત લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સંસદમાં આપેલા આમંત્રણથી ખેડૂત આગેવાનો ખુશ થઈ ગયા છે અને વડા પ્રધાનના આમંત્રણને આવકાર આપ્યો છે. ખેડૂત આગેવાનોએ ચર્ચા માટે નવા રાઉન્ડની તારીખ નક્કી કરવાનું પણ કેન્દ્ર સરકારને કહ્યું છે.
ભારતીય કિસાન યૂનિયનના રાકેશ ટિકૈતે કહ્યું છે કે આંદોલનકારી ખેડૂતો કંઈ કેન્દ્રમાં સત્તામાં પરિવર્તન લાવવા ઈચ્છતા નથી, પરંતુ અમારા પ્રશ્નોનો ઉકેલ આવે એમ ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ત્રણેય કૃષિ કાયદાઓને સરકાર પાછા ખેંચી લે અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે કાયદો ઘડે. જ્યાં સુધી સરકાર ખેડૂત આગેવાનો સાથે ચર્ચા શરૂ નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે.