બેંગલુરુમાં કટ્ટર ભ્રષ્ટાચારીઓ એકત્ર થયા છેઃ વિપક્ષની બેઠક પર મોદીના પ્રહાર

નવી દિલ્હીઃ ટોચના વિરોધ પક્ષોના નેતાઓ આજે બેંગલુરુમાં સંયુક્ત બેઠક માટે એકત્ર થયા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની આગવી શૈલીમાં એમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. મોદીએ પોર્ટ બ્લેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા બંધાયેલા ટર્મિનલ બિલ્ડિંગના વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કરેલા ઉદઘાટન દરમિયાન પોતાના સંબોધનમાં વિપક્ષી એકતા પર હલ્લો બોલાવ્યો હતો.

મોદીએ ભ્રષ્ટાચાર અને વારસાગત રાજકારણનો મુદ્દો ઉઠાવીને વિરોધપક્ષોને ઝપટમાં લીધા હતા અને કહ્યું કે આ લોકો દેશની લોકશાહી અને બંધારણને બાનમાં લેવા ઈચ્છે છે. એમની ગાયકી કંઈક અલગ છે, હાલત અલગ છે, લેબલ અલગ છે અને પ્રોડક્ટ અલગ છે. આ લોકો એમની દુકાન પર જાતિવાદનું ઝેર વેચે છે અને અમર્યાદ ભ્રષ્ટાચાર કરે છે. આજકાલ આ લોકો બેંગલુરુમાં ભેગાં થયાં છે અને કટ્ટર ભ્રષ્ટાચારી સંમેલન કરી રહ્યાં છે. ક્યાંક પૂર મામલે કૌભાંડ થાય છે, કોઈકનું અપહરણ કરાય છે. પશ્ચિમ બંગાળમાં થયેલી પંચાયત ચૂંટણીમાં બેફામપણે હિંસા થઈ, સતત લોહી વહે છે, એની પર આ બધાયની બોલતી બંધ છે. આ કંઈ દેશના ગરીબ બાળકોનો વિકાસ નથી, પણ એમનાં પોતાનાં સંતાનો અને ભાઈઓ, ભત્રિજાઓનો જ વિકાસ છે. એમની માત્ર એક જ વિચારધારા અને એજન્ડા છે – તમારા પરિવારને બચાવો, પરિવાર માટે ભ્રષ્ટાચાર વધારો.

ઉલ્લેખનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણી નિકટ આવી રહી હોવાથી દેશભરના 26 રાજકીય પક્ષો નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્રીય સરકાર વિરુદ્ધ બેંગલુરુમાં એકત્ર થયા છે અને એમની સંયુક્ત બેઠક બોલાવી છે. કોંગ્રેસનાં સોનિયા ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ પવાર, શિવસેના (યૂબીટી)ના ઉદ્ધવ ઠાકરે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ સહિત અનેક અગ્રગણ્ય વિપક્ષી નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.