નવી દિલ્હીઃ મણિપુર પર જારી વિરોધની વચ્ચે લોકસભામાં દિલ્હી વટહુકમ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-Aના અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ પર આવેલા વટહુકમની જગ્યા લેવા માટે લાવવામાં આવ્યું હતું. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીની સાથે 26 વિરોધ પક્ષોના ગઠબંધન INDIA આ બિલનો વિરોધ કરી રહ્યું છે અને આ બિલ પર લોકસભામાં ગુરુવારે ચર્ચા થવાની શક્યતા છે.
જોકે આમ આદમી પાર્ટીના નેતા આ બિલને રાજ્યસભામાં અટકાવવાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ બિલને લોકસભામાં બે ક્ષેત્રીય પક્ષો YSR કોંગ્રેસ અને BJDના જરૂરી 18 મત મળ્યા છે. BJDના સમર્થન પછી સરકારને રાહત થઈ છે. હવે રાજ્યસભામાં પણ દિલ્હી વટહુકમ પસાર જઈ જવાનું લગભગ નક્કી છે. એક બાજુ આ બિલને YSR અને BJDનો ટેકો પ્રાપ્ત છે તો કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, શશિ થરૂર, ગૌરવ ગોગોઈ, તૂણમૂલ કોંગ્રેસના સૌગત રાય અને AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કર્યો હતો.
જોકે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની સત્તાધારી પાર્ટીઓના ખુલ્લા સમર્થન પછી 237 પ્રભાવી શક્તિવાળી રાજ્યસભામાં સાંસદોની સંખ્યા 130થી વધી ગઈ છે. BJDના રાજ્યસભાના સભા સસ્મિત પાત્રાએ કહ્યું હતું કે અમારી પાર્ટી દિલ્હી વટહુકમ સંબંધી વિધેયકને ટેકો આપશે અને સરકારની વિરુદ્ધ વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો પણ વિરોધ કરશે. પાર્ટીએ એ માટે એક વ્હિપ જારી કર્યો છે. આ સિવાય YSR કોંગ્રેસ પાર્ટીના પદાધિકારી વી વિજયસાંઈ રેડ્ડીએ કહ્યું હતું કે અમે દિલ્હી બિલ પર સરકારના પક્ષમાં મતદાન કરીશું.
