નવી દિલ્હીઃ દિલ્હીમાં દિવાળી પહેલાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી. કેટલાય વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ પહેલાં છઠ્ઠી નવેમ્બરે દિલ્હી NCRમાં ભૂકંપના તેજ આંચકા અનુભવવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ એ ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ નેપાળ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે આવેલા ભૂકંપનું કેન્દ્ર જમીનની 10 કિલોમીટર અંદર હતું. આ ભૂકંપનું કેન્દ્ર ઉત્તરીય દિલ્હીમાં હતું. પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. આંચકો એવો હતો કે લોકો ડરને લીધે ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ આવ્યા નથી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ દિલ્હી-NCRની નીચે 100થી વધુ લાંબી અને ઊંડા ફોલ્ટ્સ છે, એમાં દિલ્હી-હરિદ્વાર, દિલ્હી-સરગોધા પ્રદેશ અને ગ્રેટ બાઉન્ડરી ફોલ્ટ પર છે. JNUના એક પ્રોફેસરના જણાવ્યા મુજબ દિલ્હી-NCRમાં ક્યારેય પણ મોટો ભૂકંપ આવી શકે છે. જોકે એ કેટલો શક્તિશાળી હશે અને એ ક્યારે એ આવશે- એ વિશે કંઈ કહી શકાય એમ નથી, એમ તેમણે જણાવ્યું હતું.