શું રાહુલ ગાંધી પાસે છે બેવડી નાગરિકતા?

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ફરી એક વાર સવાલો ઊભા થયા છે. કેટલીય વાર તેમની નાગરિકતાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે ગૃહ મંત્રાલય પાસે રાહુલ ગાંધીની નાગરિકતા પર સ્પષ્ટીકરણ માગ્યું છે.

અલાહાબાદની હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતાની બ્રિટિશ નાગરિકતાને લઈને એક જનહિત અરજી પર સુનાવણી થઈ. એ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને CBI તપાસ કરાવવામાં આવે. આ અરજી પર સુનાવણી કરતાં જસ્ટિસ રાજન રોય અને જસ્ટિસ ઓમ પ્રકાશ શુક્લાની બેન્ચે ASG સૂર્યભાણ પાંડેને નિર્દેશ આપતાં કહ્યું હતું કે તેઓ મામલે ગૃહ મંત્રાલય પાસેથી માહિતી મેળવે.આ અરજી કર્ણાટકના ભાજપના કાર્યકર્તા એસ વિઘ્નેશ શિશિરે દાખલ કરી છે. જૂનમાં રાયબરેલી લોકસભાથી ચૂંટણીને પડકારતાં અલાહાબાદ હાઇકોર્ટની લખનૌ ખંડપીઠમાં ત્રણ મહિના પહેલાં આ જનહિત અરજી દાખલ કરી હતી, એમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી ભારતના નહીં, પણ બ્રિટનના નાગરિક છે. એને આધારે રાહુલ ગાંધીનું ચૂંટણીનું ફોર્મ રદ કરવાની માગ કરી હતી.

હાઇકોર્ટની લખનૌ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના વિવાદ પર સિટિઝનશિપ એક્ટ હેઠળ કેન્દ્ર સરકારથી કરવામાં આવેલી ફરિયાદ પર કાર્યવાહીની વિગતો માગી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધીની પાસે બેવડી નાગરિકતા છે. બેવડી નાગરિકતાને કારણે તેઓ ચૂંટણી ના લડી શકે અને સાંસદ પણ ના બની શકે.