કલ્પના પણ નહોતી કરી કે PM બનીશઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં રહેતાં 20 વર્ષ પૂરાં કર્યાં છે. મોદીએ સાત ઓક્ટોબર, 2001એ ગુજરાતના મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. એ પછી તેઓ 2014માં સામાન્ય ચૂંટણી જીતવા સુધી ગુજરાતના મુખ્ય પ્રધાનપદે આરૂઢ રહ્યા અને એ પછી તેમણે વડા પ્રધાનપદ સંભાળ્યું. વડા પ્રધાનપદે તેમને સાત વર્ષ પૂરાં થયાં છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાનથી લઈને દેશના વડાપ્રધાન સુધી નરેન્દ્ર મોદીના નિર્ણયો, નીતિઓ અને વ્યૂહરચનાનોએ દેશનું ચિત્ર અને ભાગ્ય બદલી નાખ્યું. આ નિર્ણયો, નીતિઓ અને વ્યૂહરચનાઓએ જ ભારતને મજબૂત, સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનાવ્યો છે. ભારતને વૈશ્વિક મંચ પર પ્રભુત્વ આપ્યું છે.

તેમની લોકપ્રિયતાને કારણે 2013માં વડા પ્રધાન મોદીને ભાજપ દ્વારા વડા પ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતી મેળવી અને નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને વડા પ્રધાનપદ સંભાળ્યું. આ પછી, વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો સાથે ફરી સંપૂર્ણ બહુમતી લાવીને વડા પ્રધાનપદના શપથ લીધા.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જનતાના આશીર્વાદથી પહેલાં મુખ્ય પ્રધાન અને પછી વડા પ્રધાનપદની કલ્પના પણ તેમણે ક્યારેય નહોતી કરી.

પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950 ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તેઓ નાની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) માં જોડાયા હતા. મુખ્ય પ્રધાન બનતાં પહેલાં તેઓ ભાજપમાં રાષ્ટ્રીય સચિવ અને મહામંત્રી પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓ 20 વર્ષમાં ચાર વાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા.