ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યોઃ શિંદે જૂથ સુપ્રીમમાં જશે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રાજકીય ઘમસાણ વધુ ઘેરું બન્યું છે. હવે આ રાજકીય લડાઈ કાયદાકીય દાવપેચમાં પડી છે, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ આઘાડી સરકાર અને પાર્ટીને બચાવવના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલે અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવ્યો હતો. જેથી બળવાખોર જૂથને આંચકો લાગ્યો હતો. એકનાથ શિંદે હવે એની સામે સુપ્રીમ કોર્ટમાં જશે.

શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોના જૂથે પોતાના ગ્રુપનું નામ શિવસેના બાળાસાહેબ રાખવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે નવા જૂથ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી એને સ્પીકર પાસેથી કાનૂની મંજૂરી નહીં મળે, ત્યાં સુધી આ પ્રકારનાં જૂથોને કાયદેસર નહીં માનવામાં આવે.

બીજી બાજુ શિવસૈનિકો રસ્તા પર ઊતરી આવ્યા છે. મુંબઈમાં પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. શિવસેના કાર્યકર્તાઓએ પુણેમાં ધમાલ મચાવી છે. તેમણે તોડફોડ પણ કરી હતી. શિવસેનાના નેતા સંજય રાઉતે એક વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે હજી શિવસૈનિકો રસ્તા પર નથી ઊતર્યા. જો તેઓ રસ્તા પર ઊતરશે તો આગ લાગશે. પોલીસે મહારાષ્ટ્રનાં અનેક શહેરોમાં અલર્ટ ઘોષિત કર્યું છે. થાણે શહેરમાં પણ કલમ 144 લગાડવામાં આવી છે.

શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય શિંદેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગૃહપ્રધાન, DGP મહારાષ્ટ્રને પત્ર લખીને આરોપ મૂક્યો છે કે 38 વિધાનસભ્યોના પરિવારના સભ્યોની સુરક્ષાને ખોટા ઇરાદાથી પરત ખેંચવામાં આવી છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]