26/11નો માસ્ટર-માઇન્ડ જીવતો નીકળ્યોઃ 15-વર્ષની જેલ

લાહોરઃ પાકિસ્તાનની એક કોર્ટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ સાજિદ મીરને ટેરર ફાઇનાન્સથી જોડાયેલા એક કેસમાં 15 વર્ષથી વધુની સજા સંભળાવી છે. આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાને આટલા હાઇ-પ્રોફાઇલ કેસ વિશે મૌન ધારણ કરીને એ સંપૂર્ણ કાર્યવાહીને પણ મિડિયાની નજરથી છુપાવવાના પ્રયાસ કર્યા હતા. વિશ્વ માટે આશ્ચર્યની વાત એ છે કે સાજિદ મીરને પાકિસ્તાની સરકાર પહેલાં મૃત ઘોષિત કરી ચૂકી છે. જોકે હવે આ કેસ પછી એ સાબિત થઈ ગયું હતું કે પાકિસ્તાન સરકાર બધાની આંખમાં ધૂળ નાખીને એ સમયે ખોટાં નિવેદન કરતી હતી.

સાજિદ મીર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે અને 2008માં મુંબઈ આતંકવાદી હુમલાની ભૂમિકાને લઈને એ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે. અમેરિકાએ પણ સાજિદ મીર પર 50 લાખ ડોલરનું ઇનામ રાખ્યું હતું.  

કોર્ટે એવા સમયે સજા સંભળાવી છે, જ્યારે પાકિસ્તાન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે યાદીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારી રહ્યું છે. FATFની એક ટીમ ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાત લેશે અને એ જોશે કે પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનો અને એના ફન્ડિંગને અટકાવવા માટે શાં-શાં પગલાં લેવામાં આવ્યાં છે. ગ્રે લિસ્ટમાં હોવાથી પાકિસ્તાનને વિદેશમાંથી લોન લેવામાં ફાંફાં પડી રહ્યા છે. સાજિદ મીરને લાહોરની એક એન્ટિ-ટેરર કોર્ટે સજા સંભળાવી છે. સામાન્ય રીતે આવા કેસોમાં પોલીસનો આતેંકવાદી નિરોધી વિભાગ મિડિયાને માહિતી આપે છે, પણ પોલીસે મીરની સજાને લઈને કોઈ માહિતી નથી આપી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]