પાકિસ્તાનમાં મોટા ઉદ્યોગો પર નખાયો 10% ‘સુપર-ટેક્સ’

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે દેશના સીમેન્ટ, સ્ટીલ અને ઓટોમોબાઈલ જેવા વિશાળ સ્તરના ઉદ્યોગો પર 10 ટકા સુપર ટેક્સ લાદ્યો છે. એમનું કહેવું છે કે આ નિર્ણય લેવા પાછળનો હેતુ દેશમાં વધી રહેલી મોંઘવારીની સમસ્યાને હળવી બનાવવાનો છે. આને કારણે આર્થિક કટોકટીમાં સપડાયેલા દેશને દેવાળું ફૂંકતા રોકી શકાશે. શરીફે એવી પણ જાહેરાત કરી છે કે દેશના અતિ શ્રીમંત લોકો (હાઈ નેટવર્થ ધરાવતી વ્યક્તિઓ)એ ‘ગરીબી નિવારણ ટેક્સ’ ચૂકવવો પડશે.

શરીફે આગામી નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ તૈયાર કરવા માટે આર્થિક નિષ્ણાતો સાથેની બેઠક યોજ્યા બાદ આ નિર્ણયોની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે, આપણો પ્રથમ ઉદ્દેશ્ય દેશની જનતાને રાહત પૂરી પાડવાનો છે, એમની પરથી મોંઘવારીનો બોજો ઘટાડવાનો છે અને બીજો ઉદ્દેશ્ય દેશને નાદાર બનવામાંથી બચાવવાનો છે. અગાઉની ઈમરાન ખાન સરકારની અક્ષમતા અને ભ્રષ્ટાચારને લીધે દેશની આ હાલત થઈ છે.