નવી દિલ્હીઃ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ડિસેમ્બર પૂરો થતાં-થતાં ગાઢા ધુમ્મસનો પ્રારંભ થયો છે. નવી દિલ્હી સહિત કેટલાંય રાજ્યોમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. નવી દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે રસ્તો પર ટ્રાફિક ધીમો થઈ ગયો છે. ઉત્તર ભારતની સાથે મધ્ય ભારતમાં પણ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. આકરી ઠંડી અને ભારે ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી છે.
દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે રોડ પર ધુમ્મસ પણ જોવા મળી હતી. સવારના સમયે યમુના નદીના કિનારે ધુમ્મસના સ્તર જોવા મળ્યા હતા. ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયાં છે.
દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના તેલંગણા અને દક્ષિણ-પૂર્વના ઓડિશા સુધીનાં 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહનોની અવરજવરની ગતિ ધીમી પડી ગઈ હતી. ધુમ્મસ છવાઈ જવાથી જોવામાં તકલીફ પડતાં રોડથી લઈને રેલવે તથા વિમાનોની ઉડાણ પ્રભાવિત થઈ હતી. ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીયે જગ્યાએ તાપમાનનો પારો શૂન્યથી નીચે(માઈનસમાં) પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મીરનું પહલગામ સૌથી ઠંડું રહ્યું છે.
હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ષના છેલ્લા દિવસોમાં હવામાનમાં પલટાને કારણે યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશના હાપુડમાં ભારે ધુમમસને પગલે નેશનલ હાઈવે પર એક પછી એક 18 વાહનો અસરપરસ ટકરાયા હતા. જેના કારણે કેટલીક કારોને નુકસાન થયું હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજ્યમાં ટ્રેનોની અવરજવર ધીમી પડી. હાથરસમાં પણ આઠ વાહનોની ટક્કરમાં 28 લોકો ઘાયલ થયા છે. ઝાંસીમાં ત્રણ વાહનો ટકરાયા હતા. પ્રવાસી બસની ટ્રક સાથે ટક્કર થતાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે.