નવી દિલ્હીઃ ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પ્રમુખ બ્રિજશરણ સિંહના કથિત યૌન ઉત્પીડનની વિરુદ્ધ દેખાવકાર પહેલવાનોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે WFI પ્રમુખની વિરુદ્ધ આજે જ FIR નોંધવામાં આવશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ પર આજે FIR નોંધવામાં આવશે.
બ્રિજશરણ સિંહ પર એક સગીર સહિત સાત મહિલા પહેલવાનોએ યૌન ઉત્પીડન અને ધમકી આપવાના આરોપ લગાવ્યા છે. દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આજે જ એક FIR નોંધવામાં આવશે. એના પર બ્રિજ શરણ સિંહ તરફથી હાજર રહેલા જનરલ એસજી મહેતાએ કહ્યું હતું કે હવે તો કંઈ બચ્યું નથી. જ્યારે પહેલવાનો તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે એક બંધ કવર આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું એક વિશેષ ટાસ્ક ફોર્સની માગ કરું છું. મુખ્ય આરોપી પર 302 (હત્યાના મામલે) સહિત 40 કેસ નોંધાયેલા છે. હું અરજીકર્તાઓની સુરક્ષાને લઈને ચિંતિત છું.
સોલિસિટર જનરલે કહ્યું હતું કે આને પોલીસ કમિશનર પર છોડી દો. બધી ચિંતાઓનું સમાધાન કરવામાં આવી શકે છે. કપિલ સિબ્બલે કહ્યું હતું કે આની નિગરાની એક નિવૃત્ત જજ કરે. આ એ યુવતીઓ છે, જે દેશ માટે રમી રહી છે. પહેલવાનોએ બ્રિજ શરણની ધરપકડની માગ કરી છે. તેમણે તેમની પર મહિલા પહેલવાનોને ધમકાવવાનો અને યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિક સ્વર્ણ પદકવિજેતા નીરજ ચોપડા અને સ્પોર્ટ્સ ક્ષેત્રના અગ્રણીઓએ પહેલવાનોને ટેકો આપતાં ત્વરિત કાર્યવાહી કરવાની માગ કરી છે.