સાયબર ક્રાઇમઃ 14 ગામોમાં 300 સ્થળોએ દરોડા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહું જિલ્લામાં બેસીને દેશમાં ઓનલાઇન લોકોને લૂંટનારા પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાના આ જિલ્લામાં 14 ગામોમાં હરિયાણા પોલીસે એકસાથે દરોડા પાડીને 125 લોકોની અટકાયત કરી છે, જેમની સામે સાઇબર ક્રાઇમનો ગુનો કરવા બદલ પોલીસને પુરાવા મળ્યા છે. આ દરોડામાં ઓનલાઇન છેતરપિંડીને અંજામ આપતા ઉપકરણ અને ખોટાં સિમકાર્ડ ભારે સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યાં છે.

ગુરુગ્રામના SP સાઇબર ક્રાઇમના નેતૃત્વમાં ચાર જિલ્લાઓના 5000 પોલીસ કર્મચારીઓએ એકસાથે નૂહું જિલ્લામાં દરોડા પાડ્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અલગ-અલગ 102 ટીમ બનાવીને જિલ્લાનાં 14 ગામોનાં 300 સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એ દરમ્યાન 65 ખોટાં સિમકાર્ડ, 66 સ્માર્ટફોન, 166 નકલી આધાર કાર્ડ, ત્રણ લેપટોપ, 128 ATM કાર્ડ, બે ATM સ્વાઇપ મશીન, એક AEPS મશીન, છ સ્કેનર અને પાંચ પેનકાર્ડ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ બધાનો ઉપયોગ સાયબર છેતરપિંડી માટે કરવામાં આવ્યો હતો. એ સાથે 125 હેકર્સની ધરપકડ કરવામાં આવી હતી.

નૂહું જિલ્લાના મહુ, તિરવડા, ગોકલપુર, લુહિંગા કલા, અમીનાબાદ, નવી ખેડલા, ગાદોલ, જેમન્ત, ગુલાલત જખોપુર, પાપડા અને મામલિકા સહિત કુલ 14 ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ગામો પુન્હાના, પિંગવા, બિછૌર, ફિરોજપુર સ્ટેશનોના એરિયામાં આવે છે. આ ગામો ઝારખંડના ચર્ચિત સાઇબર છેતરપિંડી સેન્ટર જામતાડાથી પણ વધુ છેતરપિંડી કરનારા બતાવવામાં આવ્યા છે.

હરિયાણા પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ સાઇબર ક્રાઇમની ફરિયાદો પર કાર્યવાહી કરતાં અત્યાર સુધી બે લાખથી વધુ મોબાઇલ નંબર બંધ કરવામાં આવી ચૂક્યા છે. આ બધા મોબાઇલ નંબરોનો પયોગ ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી રહી છે.