આજે જંતરમંતર ખાતે ખેડૂત-સંસદઃ દિલ્હી વહીવટીતંત્ર એલર્ટ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામે છેલ્લા આઠ મહિનાથી વિરોધ કરી રહેલા ખેડૂતો આજથી દિલ્હીમાં જંતર મંતર ખાતે એમનું આંદોલન શરૂ કરવાના છે. એ માટે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 200 જેટલા ખેડૂતો દિલ્હીની હદમાં આવેલા સિંઘુ વિસ્તારમાંથી બસોમાં બેસીને પોલીસ રક્ષણ હેઠળ જંતર મંતર જવાના છે. ત્યાં આજે એક દિવસ તેઓ ધરણા પર બેસશે. એમનું આજનું આંદોલન સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. ખેડૂત સંગઠનોના નેતાઓનું કહેવું છે કે જંતર મંતર ખાતે તેઓ કૃષિ કાયદાઓની સમસ્યા અંગે વિસ્તારથી ચર્ચા કરશે. દિલ્હીના સત્તાવાળાઓએ ખેડૂતોને આ આંદોલન કરવા માટે પરવાનગી આપી છે. સંસદમાં બંને ગૃહમાં પણ ચોમાસું સત્રની બેઠક આજથી ફરી શરૂ થવાની છે.

ખેડૂતો શું ઈચ્છે છે?

દેશભરનાં હજારો ખેડૂતો કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા ત્રણ નવા કૃષિ કાયદા રદ કરાય એવું ઈચ્છે છે. એમનું કહેવું છે કે આ નવા કાયદા લઘુત્તમ ટેકાના ભાવ (MSP – Minimum Support Price)ની પદ્ધતિને ખોરવી નાખશે જેને કારણે ખેડૂતો કોર્પોરેટ કંપનીઓની રહેમ પર આવી જશે. બીજી બાજુ, સરકાર આ કાયદાને રદ કરવા ઈચ્છતી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]