વાવાઝોડા ‘યાસ’નો સામનોઃ ઓડિશા, બંગાળમાં યુદ્ધસ્તરની તૈયારી

કોલકાતાઃ દેશમાં એક વધુ ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાનો ખતરો ઊભો થયો છે. બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલું હવાના નીચા દબાણનું ક્ષેત્ર હવે ખતરનાક વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. આ વાવાઝોડાને ‘યાસ’ નામ આપવામાં આવ્યું છે. તે ઉત્તર-વાયવ્ય દિશા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વાવાઝોડું 24 કલાકમાં ગંભીર શ્રેણીના ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાત 26 મે બુધવારની સવારે ઓડિશા અને બંગાળના ઉત્તરીય સમુદ્રકાંઠાઓ પર પહોંચી જશે અને બપોરે ઓડિશાના પારાદીપ અને બંગાળના સાગર ટાપુ વચ્ચે આવેલા બાલાસોર જિલ્લા પરથી પસાર થશે. વાવાઝોડાને કારણે ઈશાન ભારતના ત્રણ રાજ્યો – આસામ, મેઘાલય અને સિક્કીમમાં 26-27 મેએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ઓડિશાના પાટનગર ભૂવનેશ્વર અને બંગાળના પાટનગર કોલકાતા તથા અન્ય એરપોર્ટ્સ માટેની વિમાન સેવાને માઠી અસર પડશે. રાંચી, પટના, જમશેદપુર, બાગડોગરા, કૂચબીહાર, વિઝાગ, રાજામુંદ્રી શહેરોના એરપોર્ટ સત્તાવાળાઓને પણ સતર્ક રહેવા જણાવાયું છે. આંદામાન-નિકાબોર ટાપુઓના પોર્ટ બ્લેર માટેની વિમાન સેવાને પણ સ્થગિત કરી દેવામાં આવી છે. ભારતીય રેલવેએ ઓડિશા અને બંગાળના રૂટ પર દોડાવાતી 90 ટ્રેનોને હાલ રદ કરી દીધી છે. પૂર્વીય રેલવેએ 25 ટ્રેનોને 29 સુધી રદ કરી દીધી છે.