ચૂંટણી રેલીઓ રદ કરાવોઃ વડા ચૂંટણી કમિશનરને કોંગ્રેસની-વિનંતી

લખનઉઃ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આજે દેશના વડા ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રને પત્ર લખીને વિનંતી કરી છે કે કોરોનાવાઈરસની ત્રીજી લહેર ફેલાવવાની આશંકાને લક્ષમાં રાખીને દેશભરમાં મોટી ચૂંટણી રેલીઓને તેઓ રદ કરાવે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ચૂંટણી પંચને એવી પણ વિનંતી કરી છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ઉદઘાટન સમારંભો માટે સરકારી સંસાધનો તથા જાહેર નાણાંનો ઉપયોગ કરતા અટકાવે તેમજ એવા સમારંભોમાં એમને રાજકીય નિવેદનો કરતા પણ અટકાવે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં આગામી ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે દેશભરમાં કોરોનાના કેસ અચાનક ખૂબ વધી ગયા હોવાથી તે ઉત્તર પ્રદેશમાં પોતાની મોટી ચૂંટણી રેલીઓ અને કાર્યક્રમો નહીં યોજે, ‘લડકી હૂં લડ સકતી હૂં’ થીમ પર મેરેથોન જેવા કાર્યક્રમો પણ નહીં યોજે.