દુર્ઘટના પછી વૈષ્ણોદેવીનાં દર્શન માટે માત્ર ઓનલાઇન બુકિંગ

કટરાઃ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની બનેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લાઈને અધિકારીઓએ હવે સુરક્ષા-વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરી દીધો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે મંગળવારે ઘોષણા કરી હતી કે યાત્રા માટે યાત્રાની રસીદ માત્ર બોર્ડની વેબસાઇટ અને મોબાઇલ એપ શ્રાઇન બોર્ડના માધ્યમથી પ્રાપ્ત કરી શકાશે. શ્રાઇન બોર્ડના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે યાત્રાની રસીદ માત્રા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડની વેબસાઇટ  www.maavaishnodevi.org અને મોબાઇલ એપ (માતા વૈષ્ણો દેવી એપ) દ્વારા મેળવી શકાશે.

બોર્ડે કહ્યું હતું કે એણે કટરા-સાંઝીછત-કટરાથી હેલિકોપ્ટર બુકિંગ માટે કોઈ ખાનગી ટ્રાવેલ એજન્સીને નીમી નથી. હેલિકોપ્ટરની ઓનલાઇન બુકિંગ માત્ર શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને મોબાઇલ એપ પર ઉપલબ્ધ છે.

હાલમાં નવા વર્ષના પ્રારંભે શનિવારે વૈષ્ણો દેવી મંદિરમાં થયેલી નાસભાગમાં 12 લોકોનાં મોત થયાં હતાં. આ સિવાય 16 લોકો ઘાયલ થયા હતા.