ગાંધીજીને ‘દેશદ્રોહી’ કહેનાર તરુણ મુરારી બાપુ પર FIR નોંધાયો

ભોપાલઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે વાંધાજનક ટિપ્પણી કરવાની જાણે કે હોડ લાગી છે. સંત કાલિચરણ પછી વધુ એક ધાર્મિક નેતાએ ગાંધીજી પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પ્રાથમિક કેસ (FIR) નોંધવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશની પોલીસે નરસિંહપુરમાં એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધીને ‘દેશદ્રોહી’ કહેવાના આરોપમાં ધાર્મિક નેતા તરુણ મુરારી બાપુની સામે કેસ નોંધવામાં આવ્યો છે.

યૂથ કોંગ્રેસ નેતા રોહિત પટેલની ફરિયાદને આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર તરુણ મુરારીએ નરસિંહપુરના મહાકૌશલ નગર વિસ્તારમાં સંબોધન કરતી વખતે ગાંધીજી વિરુધ ટિપ્પણી કરી હતી. જો કોઈ રાષ્ટ્રના ટુકડેટુકડા કરી દે, તે રાષ્ટ્રપિતા કેવી રીતે હોઈ શકે? હું તેમનો વિરોધ કરું છું. તેઓ દેશદ્રોહી છે.

આ નિવેદન સામે આવ્યા પછી કોંગ્રેસે એના પર વાંધો ઉઠાવતાં અને કેસ નોંધાવવા માટે પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું. જે પછી ગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153, 504, 505 હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો હતો.

મુરારી એ પછી પત્રકારો સાથે વાત કરતાં બચાવ કર્યો હતો. તેણે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે હું એને ફરીથી કહું છું કે દેશદ્રોહી એ છે, જે દેશના ટુકડે-ટુકડા કરી દે છે અને તથાકથિત બાપુએ એ કામ કર્યું છે. બાપુએ કહ્યું હતું કે વિભાજન મારા મૃત શરીર પર થશે, પણ એ તેમની સામે થયું હતું. તમે હોવ, હું હોઉં કે બાપુ- જે દેશને વહેંચે છે, એ મારા વિચારથી દેશદ્રોહી છે. આ સિવાય 25 ડિસેમ્બરે રાયપુરના રાવણ ભાટા મેદાનમાં આયોજિત ધર્મ સંસદને સંબોધિત કર્યા છે. કાલિચરણ મહારાજે મહાત્મા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.