કેવોક છે 108 વર્ષ જૂનો કોચરબ આશ્રમ આજે?

સત્યાગ્રહ આશ્રમ એમ તમને કોઇ કહે તો ઝડપથી યાદ ન આવે, પણ કોચરબ આશ્રમ એમ કાને પડે તો તરત જ અમદાવાદ અને મહાત્મા ગાંધી યાદ આવે, ખરું ને? સ્વતંત્રતાની લડત અને ગાંધીજી સાથે જેનું નામ અભિન્નપણે જોડાયેલું છે એ અમદાવાદના આ ઐતિહાસિક આશ્રમને આજે 108 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે આવો, જાણીએ એની કલ, આજ ઔર કલની કેટલીક રસપ્રદ વાતો…

આઝાદીની લડતમાં અગ્રેસર

આઝાદીની લડતમાં આ આશ્રમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સટોય આશ્રમની સ્થાપના કરી. સાથે જ સાદુ જીવન અને ઉચ્ચ સિદ્ધાંતની એક નવી વિચારશૈલી લોકો સમક્ષ મૂકી. જેના પરિણામ સ્વરૂપે તેઓ દક્ષિણ આફ્રિકાથી મોહનમાંથી મહાત્મા બનીને 1915માં સ્વદેશ પરત આવ્યા ત્યારે એવી જ જીવનશૈલી પ્રમાણે કામને આગળ વધારવાનો નિર્ધાર કર્યો અને આશ્રમ ક્યાં સ્થાપવો તેની વિચારણા શરૂ થઈ.

કોચરબ ગામની પસંદગી

ગાંધીજીએ ઘણા લોકો સાથે ચર્ચા વિચારણા કરી. વિવિધ સલાહ અને મનોમંથન બાદ એમની નજર અમદાવાદ નજીક કોચરબ ગામ પર ઠરી. શહેરના પૂર્વ વિસ્તારમાં પહેલા હાથવણાટના મથક હોવાથી રેંટિયાનું કામ અહીં જ વધારે સારી રીતે થઈ શકશે. એ વિચાર સાથે ગાંધીજીએ જીવણલાલ વ્રજરાય દેસાઈ (બેરિસ્ટર)નો બંગલો ભાડે રાખ્યો. 25 મે 1915માં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી. જો કે પાછળથી આ બંગલો જીવણલાલ દેસાઈએ ભેટ સ્વરૂપે ગાંધીજીને આપ્યો હતો. જેનો સત્તાવાર કબજો 20 જુલાઈ 1915ના મળ્યો.

સત્યાગ્રહ આશ્રમ નામ કેમ રાખ્યું?

સત્યાગ્રહાશ્રમ નામ ગાંધીજીને ગમતું. કેમ કે એમનું જીવન સત્યને સમર્પિત હતું. ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમ કોચરબ ખાતેથી સ્વરાજ માટેની લડતના મંડાણ પણ કર્યા હતા. સત્યાગ્રહશ્રમ નામ રાખવા પાછળ ગાંધીજીનો અન્ય એક હેતુ એ પણ હતો કે, સત્યની શોધમાં એમને જે સાથીદારો મળે તેને તેઓ સાથે જ રાખવા માગતા હતા. દેશને માટે સમર્પિત થઈ સેવા કરવા તૈયાર થાય એ રીતનું સત્યાગ્રહી સૈન્ય તૈયાર કરવાની એમની ઇચ્છા હતી. જે પ્રમાણે એમણે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ કરીને લોકોને અનેક અધિકારો અપાવ્યા હતા એ રીતે જ અહીં કામ કરવાની આશા હતી.

આશ્રમની જીવનશૈલી

આ આશ્રમનો ઉદ્દેશ નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય અને સત્ય નજીક જવાનો હતો. જેથી અહીંના નીતિ નિયમો પણ એ જ પ્રમાણે બનાવવામાં આવ્યા હતા. આ આશ્રમમાં ગાંધીજીએ સત્ય, અહિંસા અને સ્વદેશી સહિતના 11 વ્રતો પાળવાના રાખ્યા હતાં. આ વ્રતનું પાલન કરવું દરેક આશ્રમવાસી માટે જરૂરી હતું. આ વ્રત એકાદશવ્રત તરીકે ઓળખાતાં. જેનો વિનોબાજીએ સંસ્કૃતમાં શ્લોક બનાવ્યો હતો. જયારે તેનો ગુજરાતી શ્લોક જુગતરામભાઈ દવેએ બનાવ્યો છે.

આ શ્લોકમાં એકાદશવ્રતનો સમાવેશ થાય છેઃ

“સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું નવ સંઘરવું,

બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નવ અભડાવુ,

અભય સ્વદેશી, સ્વાદ, ત્યાગ ને સર્વધર્મ સરખા ગણવા.

આ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દૃઢ આચરવા.”

આશ્રમના સંચાલક રોનક રાણા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કેઃ “ છેલ્લા કેટલાક સમયથી આ આશ્રમ સામાન્ય લોકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જ્યારે 12મી માર્ચે આ આશ્રમનું નવીનીકરણ કરી ફરી એક વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં એક ગ્રંથાલય પણ છે. જેમાં લગભગ 10 હજાર જેટલા પુસ્તકો છે. જેનો લાભ પુસ્તક પ્રેમીઓ લઈ શકે છે. આ સાથે કોચરબ આશ્રમમાં ગાંધીજીના નિવાસ સ્થાન પર ગાંધી પ્રદર્શન પણ જોવા મળે છે. એટલું જ નહીં આશ્રમમાં દેશના લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

મહત્વની એક વાત એ પણ છે કે આ આશ્રમમાં કોઈપણ રાજકીય કાર્યક્રમો નથી થતા. જેથી આપણે એમ કહી શકાય કે કોચરબ આશ્રમ રાજકારણથી મુક્ત છે!

(તેજસ રાજપરા-અમદાવાદ)