મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણામાં લોકડાઉનની મુદત લંબાવાઈ

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીના નવા કેસની સંખ્યા ઘટી રહી હોવા છતાં સાવચેતીના પગલાં તરીકે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને હરિયાણા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની સરકારોએ લોકડાઉનની મુદતને લંબાવી દીધી છે. વાઈરસ સામે ઢીલાશપણું રાખવા સામે ઘણા આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપતાં આ રાજ્યોએ લોકડાઉનની મુદતને લંબાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાના કેસ ફરી વધી શકે છે. જોકે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ જે જિલ્લાઓમાં કોરોનાના કેસ અંકુશમાં આવ્યા છે ત્યાં નિયંત્રણોમાં ઢીલ મૂકી છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉનની મુદતને 15 જૂન સુધી લંબાવવાની મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે. અગાઉ જાહેર કરેલા લોકડાઉનની મુદત 1 જૂને પૂરી થવાની હતી. ગઈ કાલે રાજ્યની જનતા સાથે ઓનલાઈન સંવાદમાં એમણે કહ્યું હતું કે નાગરિકોએ વાઈરસ સામે વધારે સતર્ક રહેવાની જરૂર છે. ગયા વખતના અને આ વખતના કોરોના વેરિએન્ટ વચ્ચે ફરક એ છે કે એનો ફેલાવો ઝડપી થાય છે અને દર્દીને સાજા થવામાં લાંબો સમય લાગે છે. વાઈરસની ત્રીજી લહેર ક્યારે આવશે એની તારીખ મને ખબર નથી, પરંતુ આપણે અત્યંત સાવચેત રહેવાનું છે.