‘બચત, કન્ટીન્જન્સી ફંડ, હેલ્થ વીમાનું મહત્ત્વ વધ્યું’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીના એક વધુ મણકામાં ગઈ કાલે, રવિવાર 30 મેએ આર્થિક જગતના નિષ્ણાતોએ પર્સનલ ફાઈનાન્સના મહત્ત્વના વિષય અંગે ચર્ચા કરી હતી. આ વખતના વેબિનારનો વિષય હતોઃ ‘પર્સનલ ફાઈનાન્સ – નવું સામાન્ય (શું બદલાયું છે અને શું નહીં)’. નિષ્ણાતોએ આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને દર્શકો તથા રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું: ‘મહામારીની આપણા પર્સનલ ફાઈનાન્સ પર કેવી પડશે અસર?, કઈ રીતે સમતોલ કરશો તમારો આર્થિક પોર્ટફોલિયો? અને પર્સનલ ફાઈનાન્સના સિદ્ધાંતો.’ સાથોસાથ, નિષ્ણાત વક્તાઓએ પોતાનાં વિચારો પ્રદર્શિત કર્યા હતા.

વેબિનારમાં ભાગ લીધો હતો આ નિષ્ણાતોએઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના રીટેલ સેલ્સ વિભાગના વડા ભવદીપ ભટ્ટ, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત, પર્સનલ ફાઈનાન્સિયલ પ્લાનર કિરણ તેલંગ અને પર્સનલ ફાઈનાન્સ વિષયના લેખક તથા નિષ્ણાત અમિત ત્રિવેદી. કાર્યક્રમનું સંચાલન અમિત ત્રિવેદીએ કર્યું હતું.

આર્થિક જગતમાં બની રહેલી ઘટનાઓ વિશે પોતાના વિચારો રજૂ કરતાં ભવદીપ ભટ્ટે કહ્યું કે, કોરોનાવાઈરસ રોગચાળા, ત્યારપછીના લોકડાઉન-નિયંત્રણોને કારણે લોકોનાં જીવન પર ઘણી અસર રહી છે. છેલ્લા 14-15 મહિનાઓમાં લોકોનું જીવન સાવ બદલાઈ ગયું છે. લોકોની કામ કરવાની રીત બદલાઈ ગઈ છે, જેમ કે વર્ક ફ્રોમ હોમનું ચલણ વધી ગયું છે. આર્થિક વિકાસ પર માઠી અસર પડી છે. પરંતુ તેમાં સારી બાજુ એ છે કે કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કે ઘણા એક્સેસ આપ્યા હતા, ખાસ કરીને ગયા વર્ષના સપ્ટેંબરથી આ વર્ષના જાન્યુઆરી સુધીમાં, જેને કારણે અર્થતંત્રમાં રીકવરી થઈ શકી છે. સરકારે વ્યાજના દર અત્યંત ઘટાડી દીધા છે અને તેને કારણે મૂડીબજાર રનઅપ કરી ચૂકી છે. માહોલ જોકે ગૂંચવાડાભર્યો છે. રીયલ એસ્ટેટ સેક્ટરે સારો દેખાવ કર્યો નથી.

એક અન્ય મુદ્દે ભટ્ટે કહ્યું કે, લોકોમાં બચતનું મહત્ત્વ વધ્યું છે. અચાનક કપરી પરિસ્થિતિ આવે ત્યારે બચત કામ લાગે એ લોકોને સમજાયું છે. ઈક્વિટી તથા SIPમાં મૂડીરોકાણ વધ્યું છે. રીકરિંગ ડિપોઝીટમાં પૈસા મૂકવાને બદલે હવે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ લોકપ્રિય થયા છે. આ એસઆઈપી ‘ન્યૂ નોર્મલ’ છે. જોકે ઘણા મૂડીરોકાણકારોએ, ખાસ કરીને યુવા વ્યક્તિઓને ડાયરેક્ટ ઈક્વિટીમાં ઈન્વેસ્ટમેન્ટ કરતા જોવા મળ્યા. અભ્યાસ કે સંશોધન વગર આ રીતે મૂડીરોકાણ કરવું જોખમી છે. લોકોએ જોવું જોઈએ કે તેમણે પોતાના ભવિષ્ય માટે ઈન્વેસ્ટ કરવાનું છે, નહીં કે ઝડપથી કમાવાની દ્રષ્ટિએ.

શૈલેન્દ્ર દીક્ષિતે ન્યૂ નોર્મલ વિશે કહ્યું કે લોકો પોતાનું મૂડીરોકાણ કરવા સાથે લક્ષ્ય રાખતા થયા છે. 3 ચીજ નવી શીખવા મળી – સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ સમજાયું, ઈમ્યુનિટી પાવર પર ધ્યાન કેન્દ્રિત થયું અને વર્ક ફ્રોમ હોમનું ચલણ. રોગચાળાએ આપણને શીખવ્યું કે અનુભવ લીધા બાદ સારા નિર્ણયો લેવા સક્ષમ બની શકાય છે.

દીક્ષિતે ઈન્વેસ્ટરો-દર્શકો સમક્ષ અમુક રસપ્રદ સવાલો સાથે પોલ મૂક્યા હતા કે શું તમે લાંબા ગાળા માટેના SIP કરો છો? તમે સ્વયં માટે તથા પરિવારજનો માટે હેલ્થ વીમો ઉતરાવ્યો છે? તમે મ્યુચ્યુઅલ ફંડ તથા અન્ય ઈન્વેસ્ટમેન્ટ્સમાં નોમિનેશન કર્યું છે? તમે નોમિનેશનમાં જેમનું નામ લખાવ્યું હોય શું એમને તેની જાણ કરી છે ખરી? શું તમે તમારું વિલ બનાવ્યું છે ખરું? આ સવાલોના જવાબોમાં ઘણો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. બહુમતી લોકોએ દર્શાવ્યું હતું કે તેમણે હજી સુધી પોતાનું વિલ બનાવ્યું નથી.

કિરણ તેલંગે કહ્યું કે છેલ્લા 14-15 મહિનાના ગાળામાં ઈન્વેસ્ટમેન્ટ માટેના સિદ્ધાંતો બદલાયા નથી, પરંતુ તેની પ્રત્યેનું દ્રષ્ટિબિંદુ બદલાયું છે. ડિજિટલાઈઝેશનનું મહત્ત્વ વધી ગયું છે. હવેથી ઓનલાઈન એક્સેસ ન હોય તો જીવન મુશ્કેલ બની જાય છે. લોકોના જીવનમાં આ એક સારું અને સકારાત્મક પરિવર્તન આવ્યું છે. પર્સનલ ફાઈનાન્સમાં લોકો જોખમો વિશે સમજવા લાગ્યા છે. પહેલાં લોકોમાં આ વિશે આડેધડ વિચારો રહેતા, પરંતુ હવે ઈમરજન્સી ફંડ વિશે લોકો ધ્યાન આપવા લાગ્યા છે. હાયર હેલ્થ વીમા વિશે તેમજ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં શાણપણ જોવા મળી રહ્યું છે. મને આ મોટો ફેરફાર જણાયો છે.

ડિજિટાઈઝેશનથી જીવન સરળ થયું છે. ઓનલાઈન માધ્યમથી ખરીદી સરળ બની છે, પરંતુ એની સાથે ઈન્વેસ્ટમેન્ટને સાવ સરળ ગણવું ન જોઈએ. એ તો સમજીવિચારીને જ, સૌએ પોતપોતાની પરિસ્થિતનો વિચાર કરીને જ કરવું જોઈએ. ઈન્વેસ્ટમેન્ટ કરતી વખતે નોમિનેશન કરતાં વિલ વધારે સારો વિકલ્પ છે.

મોડરેટિંગ કરવાની સાથોસાથ અમિત ત્રિવેદીએ પોતાના વિચારો રજૂ કરતા કહ્યું કે, 2020ના ફેબ્રુઆરીમાં કોરોનાને પેન્ડેમિક ઘોષિત કરાયો, તે પછી લોકડાઉન આવ્યું, એને પગલે આર્થિક મંદી આવી. આમ છેલ્લા 14-15 મહિનામાં ઘણાં ફેરફારો જોવા મળ્યા. લોકોની આવક, હેલ્થ, નોકરી પર માઠી અસર પડી. તે છતાં શેરબજાર ઊંચે જતું જોવા મળ્યું છે. લોકોને મની મેનેજમેન્ટનું મહત્ત્વ સમજાયું છે. લાઈફ વીમો, હેલ્થ વીમો, કન્ટીજન્સી ફંડનું મહત્ત્વ વધી ગયું છે.

વેબિનાર દરમિયાન દર્શકો તરફથી ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો. તેમના તરફથી 50 જેટલા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેમાંના ઘણા વિશે નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા.ત

આ વેબિનારમાં મૂળ કાર્યક્રમ અનુસાર જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા ભાગ લેવાના હતા, પરંતુ આરોગ્યને કારણે એમને ખસી જવું પડ્યું હતું અને છેલ્લી ઘડીએ કિરણ તૈલંગ વેબિનારમાં સામેલ થવા સહમત થયાં હતાં.

‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ વેબિનારના આરંભે નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો અને કહ્યું કે પર્સનલ ફાઈનાન્સને લગતા સિદ્ધાંતોની સમજ આપવા માટે અને આ વિષયની જાણકારી આપવા માટે નિષ્ણાતો માર્ગદર્શન આપવા ઉપસ્થિત થયાં છે.

(સંપૂર્ણ વેબિનાર માટે જુઓ આ વિડિયો)