જયપુરઃ કર્ણાટક પછી સરકારી સ્કૂલોમાં હિજાબનો મામલો રાજસ્થાનમાં ગરમાતો જઈ રહ્યો છે. રાજસ્થાનના હવા મહેલથી ભાજપના વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્યે 27 જાન્યુઆરીએ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર વાંધો ઉઠાવ્યો હતો.
વિધાનસભ્ય જયપુર શહેરના ગંગાપોલ ક્ષેત્રની એક સરકારી સ્કૂલના કાર્યક્રમમાં સામેલ થયા હતા. એ દરમ્યાન તેમણે સ્કૂલના પ્રિન્સિપાલ અને કર્મચારીઓને પૂછ્યું હતું કે સ્કૂલમાં કેટલીક વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કેમ આવી છે? વિધાનસભ્યએ વાંધો ઉઠાવતાં હિજાબ પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી.ત્યાર પછી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીએ જયપુરમાં એક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને વિધાનસભ્યના નિવેદનનો વિરોધ કર્યો હતો. મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિધાનસભ્યને પોતાના નિવેદન બદલ માફી માગવા કહ્યું હતું.
સું સરકાર હિજાબ પર પ્રતિબંધ મૂકશે?
રાજસ્થાન સરકાર અન્ય રાજ્યો પાસે હિજાબ પ્રતિબંધ પર સ્થિતિ રિપોર્ટ માગવા પર વિચાર કરી રહી છે. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ સ્તરે હિજાબ પ્રતિબંધ પર રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ મંત્રી મદન દિલાવરને મોકલવામાં આવશે.દિલાવરે વિભાગથી અન્ય રાજ્યોમાં હિજાબ પ્રતિબંધની સ્થિતિ અને રાજસ્થાનમાં એની અસરને લઈને રિપોર્ટ માગી છે. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે જ્યાં ડ્રેસ કોડનું પાલન નથી કરવામાં આવતું, ત્યાં કડક પગલાં લેવામાં આવે. સ્કૂલો અને અન્ય સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં સરકારી આદેશોનું પાલન કરવું પડશે અને વિદ્યાર્થીઓએ પણ ડ્રેસ કોડનું પાલન કરવાનું રહેશે.
આ પહેલાં પણ ભજનલાલ સરકારના વરિષ્ઠ મંત્રી ડો. કિરોડીલાલ મીણાએ આ અંગે એક નિવેદન આપતાં કહ્યું હતું કે તેઓ આ મુદ્દે મુખ્ય મંત્રી સાથે વાત કરશે. તેમનું કહેવું હતું કે દરેક શાળાઓમાં સમાન ડ્રેસ કોડ હોવો જોઈએ. એક આરોપ લગાવતા કહ્યું હતું કે હિજાબનું સમર્થન કરનારાઓ નથી ઈચ્છતા કે મુસ્લિમ સમાજની છોકરીઓ શિક્ષિત થાય. તેમણે કહ્યું કે રાજ્યમાં દરેક જગ્યાએ હિજાબ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પછી તે શાળાઓ હોય કે મદરેસા હોય. મીણાએ ઈતિહાસને ટાંકીને કહ્યું હતું કે હિજાબ અને બુરખો મુઘલ આક્રમણકારો સાથે ભારતમાં આવ્યો છે.