ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક, મતદારોને રીઝવવા…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે દેશના 25 કરોડ લોકોને પોતાના પક્ષમાં કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સત્તામાં આવવા પર દેશના 20 ટકા ગરીબોને દર વર્ષે 72 હજાર રુપિયા આપવા માટે ન્યૂનતમ આવક યોજના શરુ કરવાનો વાયદો કર્યો છે. કોંગ્રેસે આ યોજનાનું નામ ન્યાય રાખ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રાહુલ ગાંધી આ યોજના દ્વારા દેશના લોકોનું દિલ જીતી શકે છે કે નહીં.

કોંગ્રેસ ખેડુતોની દેવામાફીની જાહેરાત દ્વારા મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ વિધાનસભા ચૂંટણી જીતવામાં સફળ રહી હતી. આ જ કારણ છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને જીતવા માટે ‘NYAY’ ની જાહેરાત કરી છે.

એર સ્ટ્રાઈક બાદ કોંગ્રેસ બેકફૂટ પર આવી હોય તેવું પ્રતિત થઈ રહ્યું હતું અને બીજેપીના હોંસલા બુલંદ હતા. ત્યારે આવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘NYAY’ ના રુપમાં એક મોટો સ્ટ્રોક માર્યો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ આ યોજના દ્વારા સીધી રીતે દેશના 25 કરોડ લોકોને સાધવાની કોશીષ કરી રહી છે, જે લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂનતમ ગેરન્ટી યોજનાનો વાયદો કર્યો, જે અંતર્ગત કોંગ્રેસ, જો સત્તામાં આવે તો, તમામ લોકોને 12 હજાર રુપિયા પ્રતિ માસ કોંગ્રેસ સરકાર આપશે. રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષ સુધી મોદી સરકારમાં ગરીબો દુઃખી રહ્યા છે. ત્યારે આવામાં હવે અમે લોકોને ન્યાય આપીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મનરેગા કમિટ કર્યું હતું અને હવે આવક ગેરન્ટી આપીને બતાવીશું.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ગરીબી મિટાવી દઈશું. અમારું કહેવું છે કે જો આપ કામ કરી રહ્યા છો, તો ઓછામાં ઓછી દર મહીને તમારી આવક 12 હજાર રુપિયા હોવી જોઈએ. ભારતમાં જો મિનિમમ ઈનકમથી ઓછી આવક છે તો આ આવક વધારવાની કોશીશ હશે. જેનાથી ગરીબીથી તેમને બહાર લાવી શકાય. આ સેકન્ડ ફેઝમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લઈ આવશે. આ યોજનાને અમે આગળ લાવીને બતાવીશું.

આ યોજનાના સહારે કોંગ્રેસ આગામી સમયમાં ચૂંટણીમાં ગરીબોના વોટ પોતાની તરફેણમાં લેવાનો પ્રયત્ન કરશે. ત્યારે સવાલ એ છે કે ‘NYAY’ યોજના લાગુ કર્યા બાદ દેશમાંથી ગરીબી દૂર થશે કે કેમ? રાહુલ ગાંધીના દાદી અને પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ 1971 માં ગરીબ હટાઓનો નારો આપ્યો હતો. અને કોંગ્રેસને ચૂંટણીમાં આનો ફાયદો પણ મળ્યો હતો. ત્યારે આવામાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં 2019 માં લાભ પ્રાપ્ત થાય છે, કે નહી તે જોવાનું રહેશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]