નવી દિલ્હીઃ પક્ષના કેટલાક સિનિયર નેતાઓએ લેખિતમાં કરેલી માગણીને પગલે સોનિયા ગાંધીએ કોંગ્રેસનું વચગાળાનું પ્રમુખપદ છોડી દેવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે. એમણે આવતીકાલે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની બેઠક બોલાવી છે, જેમાં તેઓ પક્ષનું પ્રમુખપદ સત્તાવાર રીતે છોડે એવું કહેવાય છે.
પક્ષનું નેતૃત્ત્વ બદલવાની પક્ષના વરિષ્ઠ નેતાઓમાં તીવ્ર થતી માગણી વચ્ચે સમાચાર આવ્યા છે કે સોનિયાએ પ્રમુખપદ છોડવાની ઈચ્છા દર્શાવી છે.
વચગાળાના પ્રમુખ તરીકે સોનિયાની મુદત ગઈ 10 ઓગસ્ટે પૂરી થઈ ચૂકી છે. હવે તેઓ પોતે આ પદ પર રહેવા ઈચ્છતા નથી. પક્ષના નવા પ્રમુખની પસંદગી કરવાનું શરૂ કરી દેવાનું એમણે પ્રક્રિયા શરૂ કરવાનું કહી દીધું છે.
કોંગ્રેસ કારોબારીની સમિતિ (CWC)ની બેઠક આવતીકાલે સવારે 11 વાગ્યે યોજવાનું નક્કી કરાયું છે.
કોંગ્રેસમાં નેતાગીરી મામલે મોટા ફેરફારો કરવાની માગણી પક્ષના 23 મોટા નેતાઓએ કરી છે, જેમાં CWCના સદસ્યો, સંસદસભ્યો અને ભૂતપૂર્વ પ્રધાનોનો સમાવેશ થાય છે. આ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને એમની માગણી રજૂ કરી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પક્ષપ્રમુખ સોનિયા ગાંધીને વરિષ્ઠ નેતાઓએ આ પ્રકારનો પત્ર લખ્યો હોય એવું આ કદાચ પહેલી જ વાર બન્યું છે.
આ નેતાઓએ પક્ષમાં મોટા સંસ્થાકીય સુધારા કરવાની માગણી કરી છે. એમની દલીલ છે કે પક્ષ જનતાનો ટેકો ગુમાવી રહી છે અને યુવા લોકોમાંનો વિશ્વાસ પણ ગુમાવી રહી છે. યુવા લોકો નરેન્દ્ર મોદીને મત આપી રહ્યાં છે.
આ પત્ર એક પખવાડિયા અગાઉ મોકલવામાં આવ્યો હોવાનું કહેવાય. છે.
આ પત્રમાં સહી કરનાર નેતાઓ છેઃ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશી થરૂર, વિવેક તાન્ખા, મુકુલ વાસનિક, જિતીન પ્રસાદ, ભૂપિન્દર સિંહ હૂડ્ડા, રાજીન્દર કૌર ભટ્ટલ, વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચૌહાણ, પી.જે. કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી, મિલિંદ દેવરા, રાજ બબ્બર, અરવિન્દર સિંહ લવલી, કૌલ સિંહ ઠાકુર, અખિલેશ પ્રસાદ સિંહ, કુલદીપ શર્મા, યોગાનંદ શાસ્ત્રી, સંદીપ દીક્ષિત.
પક્ષના સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC)ની આવતીકાલે બેઠક મળવાની અને એમાં સંગઠનાત્મક મુદ્દો પર ચર્ચા કરવામાં આવે એવી ધારણા છે. કહેવાય છે કે આવતીકાલની બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં આ પત્ર જ રહેશે.
પત્રમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પાર્ટીને સંચાલિત કરવા માટે અસરકારક કેન્દ્રીય નેતૃત્ત્વની જરૂર છે.
CWCમાં ફરીથી ચૂંટણી કરાવવા અને નવેસરથી કેન્દ્રીય નેતૃત્ત્વ નક્કી કરવાની આ પત્રમાં માગણી કરવામાં આવી છે. એ માટે એક અસરકારક સામૂહિક પદ્ધતિ સ્થાપિત કરવાની માગણી કરાઈ છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે કોંગ્રેસનું પુનરુત્થાન એક રાષ્ટ્રીય અનિવાર્યતા છે. જે દેશમાં લોકશાહીના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પક્ષ હાલ એવા ગબડી રહ્યો છે જ્યારે પાર્ટીને રાજકીય, સામાજિક અને આર્થિક મોરચાઓ પર અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.