જર્મની, બ્રિટન, ચીન વચ્ચે ભારતીયોને આકર્ષવાની હોડ

નવી દિલ્હીઃ H-1B વિઝાના નિયમો જેમ-જેમ અમેરિકા કડક કરી રહ્યું છે, તેમ વિશ્વના અન્ય અગ્રણી દેશો વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના શ્રેષ્ઠ ભારતીય પ્રોફેશનલોને આકર્ષવા માટે ઝડપી પગલાં લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ અમેરિકા ઈમિગ્રેશનને હતોત્સાહિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે પછી ઘણા દેશોએ તેને એક તક તરીકે ભારતીયો માટે પોતાના દેશના દરવાજા ખોલી દીધા છે.

તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી કે H-1B વિઝાની ફી વધારીને $ 100,000 કરવામાં આવશે, જેને કારણે વિશ્વના જે લોકો અમેરિકામાં આ વિઝા પર રહે છે, તેમાં વ્યાપક ચિંતા ફેલાઈ હતી. જોકે એ પછી પ્રશાસને સ્પષ્ટ કર્યું કે આ નવી ફી માત્ર નવા અરજદારો પર લાગુ થશે, હાલના વિઝાધારકો પર નહીં, જેના કારણે હજારો પ્રોફેશનલોને રાહત મળી હતી. એમ છતાં ટ્રમ્પ પ્રશાસનના આ પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ અમેરિકામાં ઈમિગ્રેશનને રોકવા માગે છે.

ભારતીય પ્રતિભાને લલચાવતા જર્મની અને બ્રિટન

અમેરિકાના કડક થતા નિયમો વચ્ચે, જર્મની અને બ્રિટન જેવા યુરોપીય દેશો ભારતીય પ્રોફેશનલોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેને એક વિડિયો મેસેજમાં જર્મનીને અમેરિકાનો એક સ્થિર અને વિશ્વસનીય વિકલ્પ તરીકે રજૂ કર્યો. તેમણે જણાવ્યું હતું કે જર્મનીમાં ભારતીયો સરેરાશ, ત્યાંના મૂળ નિવાસીઓ કરતાં વધુ કમાઈ રહ્યા છે, જે દેશના અર્થતંત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને દર્શાવે છે. જોકે જર્મનીએ તાજેતરમાં ઇમિગ્રેશન કાયદા પણ આકરા કર્યા છે, જ્યાં હવે નાગરિકતા માટે પાંચ વર્ષ સુધી નિવાસ કરવું ફરજિયાત છે, જ્યારે પહેલાં તે ત્રણ વર્ષ હતું.

બ્રિટને ટોચના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને ટેક્નોલોજી નિષ્ણાતોને આકર્ષવા માટે પોતાની એક ગ્લોબલ ટેલેન્ટ ટાસ્કફોર્સને સક્રિય કરી છે. આ વિશ્વના ટોચના યુનિવર્સિટીમાંથી આવનારા અથવા પ્રતિષ્ઠિત એવોર્ડ ધરાવતા પ્રોફેશનલો માટે વિઝા ફીમાં છૂટછાટ કે તેને સંપૂર્ણપણે ખતમ કરવાની વિચારણા કરી રહ્યું છે. ચીન પણ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રમાં પ્રતિભાને આકર્ષવા માટે એક ખાસ K-વિઝા લઈને આવ્યું છે, જેથી તે પણ આ વૈશ્વિક સ્પર્ધામાં જોડાઈ ગયું છે.