મુસ્લિમોએ અયોધ્યા છોડવી પડશેઃ વિનય કટિયારનું વિવાદાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અને રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા વિનય કટિયારે એક વિવાદાસ્પદ નિવેદન આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મુસ્લિમોએ તાત્કાલિક અયોધ્યા જિલ્લો છોડવો જોઈએ અને આ પવિત્ર મંદિરનગરીમાં કોઈ પણ મસ્જિદના નિર્માણની મંજૂરી આપવામાં નહીં આવે.

વિનય કટિયારના નિવેદન પર અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે જણાવ્યું છે કે દેશ બધા ધર્મના લોકોનો છે, તેમને પોતાના નિવેદન પર વિચારવું જોઈએ.

ધન્નીપુર મસ્જિદ યોજના પર વિવાદ

વિનય કટિયારનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે તેમને ધન્નીપુર મસ્જિદ યોજનાને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. સ્થાનિક પ્રશાસને NOCના અભાવે આ યોજના નામંજૂર કરી દીધી હતી. કટિયારે આકરી ભાષામાં કહ્યું હતું કે અયોધ્યામાં બાબરી મસ્જિદને બદલે કોઈ મસ્જિદ કે કોઈ બીજી મસ્જિદનું નિર્માણ નહીં થાય. તેમણે આગળ કહ્યું હતું કે મુસ્લિમોનું અયોધ્યા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે આ જિલ્લો ખાલી કરીને સરયૂ નદી પાર ચાલ્યા જવું જોઈએ. કટિયારે આ દાવો પણ કર્યો હતો કે મુસ્લિમોને અયોધ્યાથી બહાર કાઢ્યા પછી તેઓ પૂરા ઉત્સાહ સાથે દિવાળી ઊજવશે.

SPની આકરી પ્રતિક્રિયા

વિનય કટિયારના નિવેદન પર સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે આકરો જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે વિનય કટિયારનું દિમાગ નબળું થઈ ગયું છે. આ દેશ કોઈ એક ધર્મનો નથી, પરંતુ બધા ધર્મોના લોકોનો છે. તેમણે પોતાની ભાષણબાજી પર ધ્યાન આપવું જોઈએ. પ્રસાદે તેમના નિવેદનને સામ્પ્રદાયિક સૌહાર્દના વિરોધમાં ગણાવી તેની નિંદા કરી હતી.