મુંબઈઃ બોલિવુડ એક્ટર શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન કાનૂની ચક્રવ્યૂહમાં ફસાયાં છે. IRS અધિકારી સમીર વાનખેડેએ તેમની વિરુદ્ધ દિલ્હી હાઈ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેનો આરોપ છે કે નેટફ્લિક્સની વેબ સિરીઝ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક છબીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ નાર્કોટિક્સ અધિકારી સમીર વાનખેડેએ આર્યન ખાન દ્વારા નિર્દેશિત નેટફ્લિક્સ સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડમાં તેમના પાત્રને લઈને, નેટફ્લિક્સ અને શાહરુખ ખાન સામે દિલ્હી હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.
માનહાનિનો કેસ
વાનખેડેએ શાહરુખ ખાન અને તેમની કંપની તેમ જ ધ બેડ્સ ઓફ બોલીવુડના નિર્માતા રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે, જેને તેઓ કેન્સરના દર્દીઓના સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાનમાં આપવાનો દાવો કરે છે.
સમીર વાનખેડેનું નિવેદન
સમીર વાનખેડે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે અભિનેતા શાહરુખ ખાન અને ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને અન્ય લોકો વિરુદ્ધ કાયમી અને જરૂરી રોક, ઘોષણા અને વળતરની માગ કરી છે. તેઓ કહે છે કે રેડ ચિલીઝ દ્વારા બનાવવામાં આવેલી અને નેટફ્લિક્સ પર રજૂ થયેલી ટીવી સિરીઝ ધ બેડ્સ ઓફ બોલીવુડના એક ભાગરૂપે દર્શાવાયેલ વિડિયો ખોટો, દુર્ભાવનાપૂર્ણ અને માનહાનિકારક છે, જેને લઈને તેમને ઠેસ પહોંચ્યા છે.
આ સિરીઝમાં નશાના વિરુદ્ધ કામ કરતી એજન્સીઓને ખોટી રીતે અને ખરાબ રીતે બતાવવામાં આવી છે, જેને કારણે લોકોનો કાયદો અમલમાં લાવતી સંસ્થાઓ પરનો વિશ્વાસ ઓછો થાય છે. એ સાથે જ તેમનું કહેવું છે કે આ સિરીઝમાં એક પાત્રને સત્યમેવ જયતે નારો લગાવ્યા બાદ અશ્લીલ ઇશારો કરતાં બતાવવામાં આવ્યું છે, જે રાષ્ટ્રીય પ્રતીકનું અપમાન છે.


