કોંગ્રેસે એકાઉન્ટ્સ ફ્રીઝ મામલે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

નવી દિલ્હીઃ બેન્ક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવાને મામલે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કોંગ્રેસ નેતાઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ ચૂંટણીપ્રચાર માટે એકાઉન્ટ્સમાંથી પૈસા નથી કાઢી શકતા અને એટલે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ પર મોટો હુમલો કર્યો છે. કોંગ્રેસના ત્રણે દિગ્ગજ નેતાઓ- મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટીનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધાં છે, જેને કારણે તેઓ ચૂંટણીપ્રચાર નથી કરી શકતા.રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એક મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટીનાં બધાં એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જોકોઈ પરિવારનાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરશો તોએ ભૂખ્યો મરી જશે. એ કોંગ્રેસ પાર્ટીની સાથે કરવામાં આવ્યું છે, પણ કોઈ સંસ્થાએ, કોર્ટે, ચૂંટણી પંચે કે કોઈએ કશું કંઈ કહ્યું નથી. આજે અમે રેલવે ટિકિટ નથી ખરીદી શકતા. અમે અમારા નેતાઓને એક જગ્યાથી બીજી જગ્યાએ નથી મોકલી શકતા.

તેમણે કહ્યું હતું કે આ મુદ્દો સાત વર્ષ જૂનો છે અને રૂ. 14 લાખનો મુદ્દો છે, જેને કારણે કોંગ્રેસ પાર્ટીનાં બધાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે અને રૂ. 200 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એકાઉન્ટ્સ ફ્રીઝ મામલે કોંગ્રેસ અને કેન્દ્રની મોદી સરકારની વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ઇન્કમ ટેક્સે કોંગ્રેસના બેન્ક એકાઉન્ટ્સને ફ્રીઝ કરી દીધા હતા. એને લઈને ઘણો વિવાદ થયો હતો અને પાર્ટીએ સરકાર પર જાણીબૂજીને કાર્યવાહી કરવાનો આરોપ લગાડ્યો હતો. જો વિભાગનું કહેવું હતું કે વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં ગેરરીતિઓ જોવા મળ્યા હતા, જે પછી આ પગલું ભરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટીના ઓડિટર્સે પૈસાનો દુરુપયોગ કર્યો. પાર્ટી પર ટેક્સથી જોડાયેલા અપરાધોમાં પણ સામેલ થવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.