વિજય તો મળશે જ, પણ…

આજથી થોડા જ દિવસોમાં હોલિકા દહન તેમ જ રંગોત્સવની ઉજવણી દેશભરમાં થશે. ધુલેટીની આગલી રીતે ઠેર ઠેર હોળી પ્રગટે ને એની અગનજ્વાળાનો પ્રકાશ આસપાસ ફેલાય. આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ, જ્યાં વિજ્ઞાનની કૃપાથી એક ચાંપ દબાવીને અજવાળાં કરી શકીએ છીએ. હા, ઔદ્યોગિક ક્રાંતિથી આપણને ભૌતિક સાધન મળ્યાં, પરંતુ તેનાં અજવાળાં તળે અનૈતિકતા અને દુરાચાર વ્યાપી રહ્યાં છે તેનાથી કેટલા માહિતગાર હશે? આજે માણસ જ માણસને મારી બીજાનાં જીવનમાં હોળી પ્રગટાવે છે. નૈતિક મૂલ્યો મૃતપ્રાય થયાં છે. હિંસા, આતંકવાદ, જુગાર, વ્યભિચાર, વ્યસન વગેરે નાથી શકાય તેવાં બેકાબૂ બની ગયાં છે. આથી જ પ્રખર અવકાશ વિજ્ઞાની વૉર્ન બ્રાઉને કહેવું પડ્યું કે: ‘વિશ્વના તમામ મનુષ્યોનાં હૃદયમાં ભગવાન વસી જાય અને આપણને સૌને નૈતિક માર્ગદર્શન આપે તો જ આપણે યાંત્રિક ક્રાંતિનાં જોખમોમાંથી બચી શકીએ તેમ છીએ. બીજો તો કોઈ ઉપાય દેખાતો નથી.’

હોળીની જેમ દિવાળી પણ આપણો મોટો ઉત્સવ. પર્વાધિરાજ. આ અવસરે વેપારીઓ ચોપડાપૂજન કરી શારદાપૂજન દ્વારા આ દિવસે પોતાના આગામી વર્ષના હિસાબ શુદ્ધ રાખવાની ભાવના કરે છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે ‘લોકમાં વાત થાય છે કે રામજી ચોપડા ચોખ્ખા રાખે, પણ રામજીના ચોપડા તો ચોખ્ખા છે જ. આપણે આપણા ચોપડા ચોખ્ખા રાખવા. જીવનનો ચોપડો ચોખ્ખો ત્યારે રહે, જ્યારે સદગુણોની કમાણી ચાલુ હોય.’

એક નાનકડી કથા છેઃ ગામના કૂવા પાસે ઊભીને ચાર સ્ત્રીઓ પાણી ભરી રહી હતી. વારાફરતી દરેક સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચતી. એક પાણી ખેંચે ત્યારે બીજી બધી પોતપોતાનાં છોકરાંની પ્રશંસા કરતી, તેમના ગુણો ગણાવતીઃ

એક કહે કે મારા છોકરાનો અવાજ એટલો મીઠો છે કે એને તો રાજદરબારમાં સ્થાન મળશે.

બીજી કહે કે મારા છોકરાએ શરીર એટલું મજબૂત બનાવ્યું છે કે મોટો થઈને એ ભલભલા પહેલવાનને પછાડશે, તમે મારી આ વાત યાદ રાખજો.

ત્રીજી કહે કે મારો છોકરો એટલો બુદ્ધિશાળી છે કે શાળામાં એ હંમેશાં પહેલો નંબર જ લાવે છે. તેને કોઈ પણ બુદ્ધિનું કામ સોંપો એટલે તેમાં અવ્વલ જ હોય.

ચોથી સ્ત્રીએ દોરડાથી ઘડો ખેંચતાં ખેંચતાં એટલું જ કહ્યું કે મારો છોકરો તો ગામના બીજા છોકરા જેવો જ સીધોસાદો ને સરળ છે… આ વાત ચાલી રહી હતી તે જ વખતે એમનાં છોકરાં શાળાએથી ઘર તરફ જવા ત્યાંથી જ નીકળ્યાં. એક ગાતો ગાતો આવતો હતો, બીજો મસ્તી કરતો અને ત્રીજો ખુલ્લાં પુસ્તકો સાથે. ચોથી સ્ત્રીનો છોકરો પહેલાં તો ચારેય સ્ત્રીને વારાફરતી પગે લાગ્યો. પછી એણે પોતાની માના હાથમાંથી ભરેલો પાણીનો ઘડો લઈ લીધો ને ઘરે જવા લાગ્યો. આ જોઈ કૂવા પાસે બેઠેલા એક વયોવૃદ્ધ સજ્જન, જે ક્યારના તે ચારેય સ્ત્રીઓની વાત સાંભળી રહ્યા હતા, તેમણે ચારેય સ્ત્રીઓને કહ્યું, ‘તમારાં મંતવ્ય ભલે અલગ અલગ હોય, પણ મારા મતે આ ચોથો છોકરો સૌથી સારો છે. એનો શિષ્ટાચાર જોયો?’

ખરેખર, દરેકનું ભવિષ્ય એના શિષ્ટાચારથી નક્કી કરી શકાય છે અને આવી બોધકથાના આધારે આપણે જાતનું અવલોકન-મૂલ્યાંકન કરવાનું છેઃ આપણે સંસ્કાર, શિષ્ટાચાર, અભ્યાસ, પુરુષાર્થ, વગેરેમાં ક્યાં ઊણા ઊતરીએ છીએ? જ્યારે જ્યારે આપણે આવા વિચારોનું પાન કરીએ ત્યારે આપણને એમ લાગતું હશે કે હજુ તો મારે ઘણું ઘણું કરવાનું અને સુધારવાનું છે. કદાચ મનના કોઈ ખૂણે નિરાશાનો વિચાર પણ ઝબકી રહ્યો હશે કે આટલું બધું કેવી રીતે થઈ શકે? ક્યાંથી, કેવી રીતે મારે શરૂ કરવું? પણ નજર હંમેશાં સમાધાન તરફ રાખવી જોઈએ પ્રશ્ન તરફ નહીં. કહે છેને કે ‘સ્લો ઍન્ડ સ્ટડી વિન્સ ધ રેસ… ધીમી અને સાતત્યપૂર્ણ દોડ આપણને જરૂર વિજય અપાવશે, બસ, સમયે સમયે જાતનું મૂલ્યાંકન કરતા રહો.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)