બેંગલુરુમાં ‘નો પૂલ પાર્ટી, નો રેન ડાન્સ’: લોકોને અપીલ

બેંગલુરુ: શહેર હાલના દિવસોમાં પાણીના સંકટથી પસાર થઈ રહ્યું છે. પીવાના પાણી માટે પણ લોકોએ લાંબી-લાંબી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે. રંગોનો તહેવાર હોળી નજીક છે. આવામાં હોળીનો તહેવાર કેવી રીતે ઊજવવો? એના પર શહેરના જળ બોર્ડે લોકોને ખાસ અપીલ કરી છે.

બોર્ડે રહેવાસીઓને કહ્યું છે કે તેઓ હાલના દિવસોમાં શહેરમાં પેદા થયેલા જળસંકટને ધ્યાનમાં રાખતાં પૂલ પાર્ટી, રેન ડાન્સ જેવા કાર્યક્રમોથી દૂર રહેવું જોઈએ અને યોજવા ના જોઈએ. બોર્ડે બોરવેલના પાણીના ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવી છે. શહેરમાં આગામી IPLની ક્રિકેટ મેચો દરમ્યાન ચિન્નાસ્વામી સ્ટેડિયમને પ્રતિ દિન 75,000 લિટરથી વધુ પાણી મળશે.

બોર્ડે કહ્યું છે કે હાલના સમયે શહેર જળસંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે હાલના સમયે વ્યાવસાયિક ઉદ્દેશો માટે રેન ડાન્સ અને પૂર પાર્ટી જેવાં મનોરંજનો ઉચિત નથી.  દેશની સિલિકોન વેલી ગંભીર જળ સંકટનો સામનો કરી રહી છે અને પ્રતિ દિન 50 કરોડ લિટર પાણીની ટંચાઈનો સામનો કરી રહી છે.

બીજી બાજુ, માર્ચમાં દેશનાં મુખ્ય જળાશયોમાં પાણી પાંચ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયાં છે, એમ સરકારી આંકડાઓ કહે છે.

વળી, એપ્રિલ અને મેમાં મધ્ય ભારત અને દક્ષિણ ભારતનાં શહેરોમાં સ્થિતિ વધુ વણશે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ જેવાં ઓદ્યૌગિક રાજ્યો અને ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં કૃષિપ્રધાન રાજ્યોમાં પાણીના સ્તર 10 વર્ષની સરેરાશથી પણ નીચે છે.