NRIs કરશે ભાજપ માટે પ્રચાર, નમોનો ડંકો વગાડશે ગામે-ગામ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદાવાર માટે પ્રચાર કરતા હોય છે. ગુજરાતમાં પણ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં વિદેશમાં રહેતા મૂળ ભારતીયોએ PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર રેલીનું આયોજન કર્યું છે. ભાજપના નોન રેસિડેન્ટ ઓફ ઈન્ડિયન (NRI) સમર્થકો ગુજરાતમાં ભાજપના સમર્થનમાં એક રેલી કરવા જઈ રહ્યા છે. NRI4NAMO દ્વારા એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીનું આયોજન નિરવ પટેલ અને અનાર મહેતા (US) દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર રેલી અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે. જેનું સમાપન નવસારીમાં થશે. આ રેલીની શરૂઆત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. જે બાદ રેલી અમદાવાદથી આણંદ, વડોદરા, ભરૂચ, સુરત થઈ અંતે નવસારીમાં રેલીનુ સમાપન થશે. આ રેલીમાં લગભગ 150-200 જેટલા NRIs જોડાશે. લગભગ 270 કિમીને આવરી લેતી આ રેલી નવ લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. રેલી દરમિયાન ભાજપના NRI સમર્થકો દરેક શહેરમાં મોદી સરકારના કાર્યો વિષે જન જાગૃતિ આપશે. આ સાથે મોદી સરકારની ગેરંટી વિશે પણ લોકો સાથે વાત કરશે. દિવસના અંતે નવસારીમાં સી.આર.પાટીલ NRI લોકો સાથે બેઠક કરી રેલીનું સમાપન કરાવશે.

જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અનાર મહેતાએ જણાવ્યું કે અમે વર્ષોછી દરેક દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં રેલીનું આયોજન કરીએ છે. હાલ સુધીમાં અમે અમેરીકા, UK, આફ્રિકા, દુબઈ જેવા દેશમાં રેલી કરી ચૂક્યા છે. જ્યાં ગુજરાતમાં આ અમારી પ્રથમ રેલી છે.