નાગરિકતા બિલનો વિરોધઃ વડાપ્રધાને કહ્યું, ભારતીયો વિરુદ્ધ નથી આ કાયદો

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈને દેશભરના કેટલાક રાજ્યોમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ તમામ લોકોને શાંતિ જાળવવા માટે કહ્યું છે અને સાથે જ કહ્યું છે કે નાગરિકતા કાયદો કોઈપણ ભારતીય વિરુદ્ધનો કાયદો નથી.

વડાપ્રધાન મોદીએ ટવીટ કરતાં લખ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જે હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે તે નિંદનીય છે. આ શાંતિ, એકતા અને ભાઈચારો બનાવી રાખવાનો સમય છે. તમામ લોકોને અપીલ છે કે તમામ પ્રકારની અફવાઓ અને જુઠ્ઠાણાઓથી દૂર રહે. વડાપ્રધાને લખ્યું કે ચર્ચા અને અસંતોષ એ લોકતંત્રનો એક ભાગ છે, પરંતુ સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવું અને સામાન્ય જીવનને પ્રભાવિત કરવું તે લોકતંત્રનો ભાગ નથી.

વડાપ્રધાને લખ્યું કે, નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 સંસદના બંન્ને સદનોમાં પાસ થઈ ગયું છે. મોટી સંખ્યામાં રાજનૈતિક દળો અને સાંસદોએ આ બિલનું સમર્થન કર્યું છે. આ અધિનિયમ ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને ભાઈચારો શિખવાડે છે, અને તેનો સંદેશ આપે છે. ભારતના તમામ નાગરિકોને હું વિશ્વાસ અપાવું છું કે નાગરિકતા સંશોધન એક્ટ કોઈપણ ધર્મના નાગરિકોને પ્રભાવિત કરતું નથી. કોઈપણ ભારતીય આ કાયદા મામલે ચિંતા ન કરે. આ માત્ર તેમના માટે છે કે જેમણે બહારના દેશમાં ત્રાસ સહન કર્યો છે અને ભારત સીવાય તેમના માટે કોઈ અન્ય જગ્યા નથી.

વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરતા લખ્યું કે, સમયની માંગ છે કે આજે તમામ ભારતના વિકાસના કામ કરે અને ગરીબ, પછાત લોકોને સશક્ત કરવા માટે એક થાય. અમે સ્વાર્થી સમૂહોને આ પ્રકારે આપણને તોડવા અને અશાંતિ ઉભી કરવાની મંજૂરી ન આપી શકીએ.