સ્લો ઓવર-રેટઃ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓને મેચ ફીની 80 ટકા રકમનો દંડ કરાયો

ચેન્નાઈ – વેસ્ટ ઈન્ડિઝની ટીમ રવિવારે અહીં રમાઈ ગયેલી પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 8-વિકેટથી હરાવ્યાના આનંદમાં છે, પણ એમને એક ખોટા કામ બદલ દંડ ભોગવવાનો પણ વારો આવ્યો છે.

રવિવારની મેચમાં સ્લો ઓવર-રેટ રાખવા બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને એમની કુલ મેચ ફીની 80 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ચેન્નઈમાં ભારત સામે રવિવારની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં સ્લો ઓવર-રેટ રાખવા બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને એમની મેચ ફીની 80 ટકા રકમનો દંડ કરાયો.

મેચના અધિકારીઓને માલૂમ પડ્યું છે કે પ્રવાસી ટીમે ભારતના દાવમાં એમને ફાળવવામાં આવેલા સાડા ત્રણ કલાકના સમયમાં એમની ક્વોટાનો ઓવર પૂરો કરવામાં ચાર ઓવર ઓછી ફેંકી હતી. મેચ અધિકારીઓએ આને ગંભીર ગુના તરીકે ગણ્યો છે. આઈસીસી સંસ્થાએ ખેલાડીઓ માટે નક્કી કરેલી આચારસંહિતાની કલમ 2.22 હેઠળ આને ‘ગંભીર ઓવર રેટ ગુનો’ ગણ્યો છે.

મેચ રેફરી ડેવિડ બુને મૂકેલા આરોપને વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કાયરન પોલાર્ડે સ્વીકારી લીધો હતો. આઈસીસીએ આદેશ આપ્યો છે કે વેસ્ટ ઈન્ડિઝના દરેક ખેલાડીને ઓછી નખાયેલી પ્રત્યેક ઓવર દીઠ 20 ટકા રકમનો દંડ કરવો. આમ, ચાર ઓવર ઓછી ફેંકાઈ હોવાથી આ રકમ 80 ટકા થવા પામે છે.

પોલાર્ડે ગુનો સ્વીકારી લેતાં વિધિસર સુનાવણી કરવાની જરૂર રહી નહોતી.

ઈંગ્લેન્ડની ટીમ આ વર્ષના આરંભમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગઈ હતી ત્યારે, ગયા માર્ચમાં, બંને ટીમ વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં સ્લો ઓવર-રેટ માટે વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ કેપ્ટન જેસન હોલ્ડરને કસુરવાર ગણાવાયો હતો અને એને એક-મેચના પ્રતિબંધની સજા ફટકારવામાં આવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન-ડે મેચોની વર્તમાન શ્રેણીની બીજી મેચ 18મીના બુધવારે વિશાખાપટનમમાં રમાશે અને ત્રીજી તથા શ્રેણીની આખરી મેચ 20મીએ કટકમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]