UP, પંજાબ અને કેરળમાં પેટા ચૂંટણીની તારીખમાં ફેરબદલ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણી હવે 20 નવેમ્બરે થશે. ચૂંટણી પંચે સોમવારે કહ્યું કે ત્રણ રાજ્યોની 14 વિધાનસભા બેઠકો માટે હવે 13 નવેમ્બરને બદલે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23મી નવેમ્બરે જ આવશે.

વિવિધ ઉત્સવોને કારણે ઓછા મતદાનની સંભાવનાઓને ફગાવતાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે.  ઉત્તર પ્રદેશની નવ, પંજાબની ચાર અને કેરળની એક વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તારીખોમાં ફેરફાર ભાજપ, કોંગ્રેસ, આરએલડી અને બસપાની માગ પર કરવામાં આવ્યો છે.

આ રાજકીય પક્ષોએ કહ્યું હતું કે 15 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા અને ગુરુનાનક દેવજીનું પ્રકાશ પર્વ છે. જ્યારે કેરળમાં 13થી 15 નવેમ્બર દરમિયાન કલાપથી રાસ્તોલસેવમની ઉજવણી કરવામાં આવશે. જેના કારણે મતદાન પર અસર પડી શકે છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20મી નવેમ્બરે જ ચૂંટણી યોજાવાની છે. આ સિવાય મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા સીટ પર પણ 20 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા આજની જાહેરાતમાં 10 રાજ્યોની 33 સીટો માટેની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે અહીં 13 નવેમ્બરે જ મતદાન થશે. તે જ દિવસે ઝારખંડ વિધાનસભાની 43 બેઠકો પર પણ મતદાન થશે. 15 ઓક્ટોબરે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર-ઝારખંડની સાથે 14 રાજ્યોની 48 વિધાનસભા અને બે લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.