આજે ખેડૂતો, સરકાર વચ્ચે નિર્ણાયક મંત્રણા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 34 દિવસોથી રાષ્ટ્રીય પાટનગર દિલ્હીની હદમાં શાંતિપૂર્ણ રીતે ધરણા-આંદોલન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે મંત્રણાનો છઠ્ઠો દોર યોજાવાનો છે. વિજ્ઞાન ભવનમાં બપોરે બે વાગ્યે આ બેઠક યોજાવાની છે. આજની બેઠકમાં આ જટિલ બનેલા મામલાનો કોઈ ‘તર્કયુક્ત ઉકેલ’ આવે એ માટે સમગ્ર દેશની નજર મંડાયેલી છે. ખેડૂતો ત્રણેય કાયદા રદ થાય એવી તેમની માગણીને વળગી રહ્યા છે. આજની બેઠકમાં 40 ખેડૂત આગેવાનો હાજર રહેવાના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કિસાન સંમેલનને સંબોધિત કરતી વખતે આંદોલનકારી ખેડૂતોને ચર્ચા કરવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું હતું. ખેડૂત આગેવાનોએ એ આમંત્રણનો તત્કાળ સ્વીકાર કર્યો હતો. આજની બેઠક પૂર્વે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલે બેઠક કરી હતી. બીજી બાજુ, ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ખેડૂત આગેવાનો સાથે ફોન પર વાતચીત કરી હતી.