નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કટ્ટરપંથી ઇસ્લામી ઉપદેશક અને ભારતીય ભાગેડુ જાકિર નાઇક તરફથી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર સવાલ કર્યા હતા. કેન્દ્રએ કહ્યું હતું કે એક એવી વ્યક્તિ જેને ભાગેડુ ઘોષિત કરવામાં આવી છે. બંધારણના આર્ટિકલ-32 હેઠળ અરજી કેવી રીતે કરી શકે છે. આ અરજીમાં નાઇકે 2012માં ગણપતિ ઉત્સવમાં વાંધજનક નિવેદનો માટે વિવિધ રાજ્યોમાં નોંધાયેલી FIRને એકસાથે જોડવાની વિનંતી કરી હતી.
જસ્ટિસ અભય એસ. ઓકા, જસ્ટિસ એહસાનુદ્દીન અમાનુલ્લા અને જસ્ટિન ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ સમક્ષ હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સવાલ કર્યો હતો કે જે વ્યક્તિને ભાગેડુ જાહેર કરવામાં આવી છે. એ અરજી કેવી રીતે દાખલ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે મને તેના વકીલે જણાવ્યું હતું કે તેઓ કેસ પરત લઈ રહ્યા છે. અમારો જવાબ તૈયાર છે.
નાઇક તરફથી હાજર થયેલા વકીલે કહ્યું હતું કે તેને કેસ પરત લેવા સંબંધે કોઈ નિર્દેશ નથી મળ્યો. આ અરજીમાં વિવિધ રાજ્યોમાં નોંધાયેલી 43 FIRને એકસાથે જોડવાની વિનંતી કરી હતી. વકીલે કહ્યું હતું કે તેની પાર્ટીની વિરુદ્ધ છ FIR વિચારાધીન છે. તે આને રદ કરવા માટે હાઇકોર્ટમાં જશે.કોર્ટે મહેતાથી કેસમાં જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું. નાઇક હાલમાં વિદેશમાં છે. આ કેસની સુનાવણી 23 ઓક્ટોબરે થશે. NIA આતંકવાદી કામગીરીમાં તેની સંડોવણીની તપાસ કરી રહી છે.
