નહીં ઉજવાય ટીપૂ સુલતાન જયંતિ, યેદિયુરપ્પાનો આદેશ, મોટી રાજનૈતિક બબાલ…

બેંગ્લોરઃ કર્ણાટકમાં નવી ભાજપ સરકારે ટીપૂ સુલતાન જયંતિ સમારોહ પર મનાઈ ફરમાવી દીધી છે. સોમવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં ટીપૂ સુલતાન જયંતિ ન મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા કન્નડ સંસ્કૃતિ વિભાગને આ સંબંધે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પ્રદેશમાં 2015માં સિદ્ધારમૈયા સરકારે બીજેપીના વિરોધ બાદ ટીપૂ જયંતિ પર કાર્યક્રમ આયોજિત કરાવવાનો નિર્ણય કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશમાં ટીપૂ જયંતિ મનાવવાની પરંપરા ક્યારેય નથી રહી એટલા માટે જ અમે આને ન મનાવવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

કડગુના ધારાસભ્ય કે.જી.બોપૈયાએ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને પત્ર લખીને આગ્રહ કર્યો હતો કે ટીપૂ જયંતિ મનાવવા પર રોક લાગવી જોઈએ. પત્રમાં તેમણે લખ્યું હતું કે કડગુના સ્થાનીય નિવાસી ટીપૂ જયંતિનો વિરોધ કરે છે. ધારાસભ્યના પત્ર અનુસાર કડગુ લોકોની વિરુદ્ધ ટીપૂ સુલતાને કોઈપણ કારણ વગર યુદ્ધ શરુ કર્યું હતું. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં કડગુ લોકો માર્યા ગયાં હતાં.

કોંગ્રેસે રાજ્ય સરકારના આ નિર્ણયનો વિરોધ કરતા કહ્યું છે કે આ ભાજપના ભગવાકરણની રાજનીતિની અસર છે. કોંગ્રેસે કહ્યું છે કે તે પોતાના સ્તર પર જયંતિ મનાવતા રહેશે. ટીપૂ સુલ્તાન દેશના સાચા સપૂત હતાં અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે હંમેશાથી ટીપૂ જયંતિ મનાવતા આવ્યાં છીએ, કર્ણાટકની જનતા પણ ટીપૂ જયંતિ મનાવે છે. ટીપૂએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કર્યું હતું. મારા દ્રષ્ટિકોણથી તેઓ દેશના પ્રથમ સ્વતંત્રતા સેનાની હતા. તેઓ ઐતિહાસિક પુરુષ છે. આ જ કારણે અમે ટીપૂ જયંતિ મનાવતા હતા. ભાજપ અલ્પસંખ્યકોની વિરુદ્ધ છે. અમે સરકારના નિર્ણયનો વિરોધ કરીએ છીએ.

આપને જણાવી દઈએ કે કોંગ્રેસના શાસનકાળમાં પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ 2015માં ટીપૂ જયંતિ મનાવવાની શરુઆત કરી હતી. તે સમયે ભાજપ સહિત ઘણા રાજનૈતિક સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. ભાજપ શરુઆતથી ટીપૂ જયંતી મનાવવાનો વિરોધ કરે છે. અંગ્રેજો વિરુદ્ધ 4 યુદ્ધ લડનારા ટીપૂ સુલતાનની જયંતિને લઈને અત્યારસુધી ખૂબ રાજનૈતિક વિવાદો થયાં છે. યેદિયુરપ્પાએ ટીપૂ જયંતિ મનાવવાની વિપક્ષમાં રહેતાં આલોચના કરી હતી અને હવે સરકાર બનાવતા જ તેમણે ટીપૂ જયંતિ ન મનાવવાનો નિર્ણય કર્યો છે.

18મી સદીમાં મૈસૂરના શાસક રહેલા ટીપૂ સુલતાનનો જન્મ 10 નવેમ્બર 1750ના રોજ થયો હતો. ટીપૂની રાજનૈતિક વિરાસતને લઈને કોઈ પક્ષ નથી. પરંતુ અંગ્રેજો વિરુદ્ધ 4 યુદ્ધ લડવાના કારણે એક વર્ગ ટીપૂ સુલતાનનું સમર્થન કરે છે. ભાજપ અને અન્ય ઘણા દક્ષિણપંથી સંગઠનો ટીપૂ સુલતાનને મુસ્લિમપરસ્ત અને હિંદૂ વિરોધી શાસક તરીકે રજૂ કરે છે. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારમાં ટીપૂ સુલતાનની જયંતિ મનાવવા પર મોટી રાજનૈતિક બબાલ થઈ હતી. ટીપૂના સમર્થક વર્ગનું એપણ કહેવું છે કે શાસક તરીકે તેમણે પોતાની માતૃભૂમિની રક્ષા માટે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું હતું.