નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણટકના મતદાતાઓને 10 મેએ થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 40થી વધુ સીટ નહીં આપવાની અરજ કરી હતી. હાવેરી જિલ્લામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષે લોકોને કોંગ્રેસને કમસે કમ 150 સીટ આપવાની વિનંતી કરી હતી. અન્યથા ભાજપે ફરીથી સરકાર બનાવવાના પ્રયાસ કરશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન ભ્રષ્ટ નેતાઓની સાથે મંચ શેર કરે છે, જે 40 ટકા કમિશન લે છે. એનાથી માલૂમ પડે છે કે તેઓ ભ્રષ્ટાચારની સામે નથી લડતા, એમ તેમણે કહ્યું હતું.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ભાજપે ટિકિટ નથી આપી, કેમ કે તેઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત નહોતા અને તેમણે 40 ટકા કમિશન નથી લીધું. મૈસુર સેન્ડલ સાબુ કૌભાડંમાં એક વિધાનસભ્યનો પુત્ર લાંચ લેતા રંગે ઙાથ પકડાયો હતો. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી કૌભાંડ, એસિસ્ટન્ટ પ્રોફેસર કૌભાંડ, એસિસ્ટન્ટ એન્જિનિયર નોકરીનું કૌભાંડ વગેરે સહિત કેટલાય અન્ય કૌભાંડો થયા હતા. ભાજપે પાછલી સરકારને નાણાં આપીને વિધાનસભ્યોની ચોરી કરી હતી, આ ચોરીની સરકાર હતી. ભાજપે પાંચ વર્ષમાં દરેક કોન્ટ્રેક્ટ પર 40 ટકા કમિશન લીધું છે. હવે અમે (કોંગ્રેસ) લોકો માટે કંઈક કરવા ઇચ્છીએ છીએ.
અમે કર્ણટકના ગરીબ લોકોને ચાર વચન આપીએ છીએ, જેમાં ગૃહલક્ષ્મી યોજના- જેમાં ઘરની પ્રત્યેક મુખ્ય મહિલાને રૂ. 2000 પ્રતિ મહિને મળશે. ગૃહ જ્યોતિ યોજના-જેમાં 200 યુનિટ મફત વીજ મળશે- પ્રત્યેક મહિને આપવામાં આવશે. આ ઉપરાંત અન્ન ભાગ્ય યોજના- જેમાં BPL પરિવારોને 10 કિલો ચોખા આપવામાં આવશે અને યુવા નિધિ યોજના –જેમાં પ્રત્યેક સ્નાતકને રૂ. 3000 મહિનાદીઠ આપવામાં આવશે અને ડિપ્લોમા ધારકદીઠને રૂ. 1500 મહિનાદીઠ આપવામાં આવશે.