બિહારઃ જેડીયુએ પ્રચાર માટે અપનાવ્યો આ રસ્તો

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં આ વખતે ડિજિટલ મીડિયાની ભૂમિકા મહત્વની રહેશે. એક તરફ ભાજપની વર્ચુઅલ રેલી તો બીજી તરફ તેમની સહયોગી પાર્ટી જેડીયુએ તેમના કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો મૂળમંત્ર આપ્યો છે. બીજેપીનો ડિજિટલ પ્રચાર હજુ સુધી વર્ચુઅલ રેલીઓ સુધી જ સીમિત છે તો જેડીયુએ નક્કી કરી લીધું છે કે, સોશિયલ મીડિયા મારફતે આ રેલીઓને કેવી રીતે લોકો સુધી પહોંચાડવી.

શુક્રવારે પૂર્ણ થયેલા 8 દિવસીય કાર્યકર્તા વર્ચુઅલ સમ્મેલનમાં પાર્ટીના મુખ્ય નેતાઓ તરફથી કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપગ્રુપ અને ફેસબુક પેજ બનાવવામાં આવે જે લોકો અને પાર્ટી વચ્ચે લિન્ક બનાવવાનું કામ કરશે. જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ અને બિહાર સરકારમાં મંત્રી સંજય કુમાર ઝાએ કહ્યું કે, 18થી 24 વર્ષની ઉંમરના 70 ટકા પુરુષ અને મહિલા વોટ્સએપ અને ફેસબુકનો ઉપયોગ કરે છે. આ લોકોની ઓનલાઈ હાજરીને ધ્યાનમાં રાખવી જોઈએ.

જેડીયુના ચૂંટણી પ્રચારમાં આરજેડીના શાસન કાળમાં થયેલ ઘટનાઓ અને વર્તમાનમાં નીતિશ કુમારની ઉપલબ્ધિઓને જ મુખ્ય એજન્ડા બનાવવામાં આવશે. આ એજન્ડાને ગૃહમંત્રી અમિત શાહે પણ ગયા રવિવારે કરેલી વર્ચુઅલ રેલીમાં નક્કી કરી દીધો હતો.

વર્ચુઅલ રેલીમાં કાર્યકર્તાઓને મૂળમંત્ર આપતા નીતિશ કુમારે 90:10નો પણ ફોર્મૂલા આપ્યો હતો. નીતિશે નાલંદા, પટનાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા 90:10ના સિદ્ધાંત અંગે જણાવ્યું હતું. નીતિશ કુમારે કાર્યકર્તાઓને કહ્યું કે, 90 ટકા સમયનો ઉપયોગ તે લોકોને સરકારની ઉપલબ્ધિઓ ગણાવવામાં કરે. અને 10 ટકા સમયનો ઉપયોગ સરકાર વિરોધી વિપક્ષી દળોની ટીકા કરવામાં કરે. નીતિશ કુમારે કહ્યું કે, ચૂંટણીના સમયમાં સકારાત્મક કામો પ્રત્યે લોકોનો ઝુકાવ વધુ રહે છે. અમારે કોઈની સાથે વિવાદ નથી, કામ પ્રત્યે અમારી આસ્થા છે.