ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું નિધન

મુંબઈઃ ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર વસંત રાયજીનું શનિવારે વહેલી સવારે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 100 વર્ષના હતા. તેમના જમાઈ સુદર્શન નાણાવટીએ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમના અંતિમ સંસ્કાર દક્ષિણ મુંબઈના ચંદનવાડી સ્મશાનગૃહમાં થશે. BCCI એ તેમના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

આ વર્ષે 7 માર્ચે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ હેમ્પશાયરના જોન મેનર્સના નિધન પછી તે દુનિયાના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બની ગયા હતા. 2016માં બીકે ગરુડાછરના અવસાન પછી રાયજી ભારતના સૌથી ઉંમરલાયક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર બની ગયા હતા.

જમણા હાથના બેટ્સમેને 40ના દાયકામાં 9 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ સમય દરમિયાન તેમણે 277 રન બનાવ્યા હતા અને શ્રેષ્ઠ સ્કોર 68 હતો. તેમણે 1939માં ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે બે વર્ષ પછી મુંબઇ માટે પ્રથમ મેચ રમી. ત્યારે તેઓ વિજય મર્ચન્ટની કપ્તાનીમાં વેસ્ટર્ન ઇન્ડિયા સામે રમ્યા હતા. રાયજી ક્રિકેટ ઇતિહાસકાર હોવા ઉપરાંત વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હતા. તેઓ 13 વર્ષના હતા ત્યારે ભારતે પોતાની પહેલી ટેસ્ટ બોમ્બે જિમખાનામાં રમી હતી.

આ વર્ષે 26 જાન્યુઆરીએ તેમણે પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર સચિન તેંડુલકર અને સ્ટીવ વો તેમના ઘરે કેક લઈને ગયા હતા. સચિને ટ્વીટ પણ કર્યું હતું, “તમને 100મા જન્મદિવસની શુભકામનાઓ. મેં અને સ્ટીવે તમારી સાથે સારો સમય વિતાવ્યો. ક્રિકેટની જુના કિસ્સાઓ સાંભળીને મજા આવી. ક્રિકેટની અનમોલ ભેટ અમારા સુધી પહોંચાડવા માટે તમારો આભાર.”