નવી દિલ્હીઃ છત્તીસગઢની કોંગ્રેસ સરકારમાં ઘણા લાંબા સમયથી બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું. મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલની સામે સતત બળવાનું વલણ અપનાવવામાં આવી રહ્યાનો અંદાજ છે અને તેમને પદ પરથી દૂર કરવાની માગ ઊઠી રહી છે. વળી, મુખ્ય પ્રધાન અને આરોગ્યપ્રધાન ટી.એસ. સિંહદેવની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી પણ છત્તીસગઢ કોંગ્રેસનો ઝઘડાનું સમાધાન નથી થઈ રહ્યું. છેલ્લા બે દિવસની રાજકીય ગરમાગરમી રાયપુરથી લઈને દિલ્હી પહોંચી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની આંતરિક લડાઈ હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. કોંગ્રેસના રાહુલ ગાંધીથી CM બઘેલ અને પ્રધાન સિંહદેવની વાતચીત પછી છેલ્લા બે દિવસની અંદર આશરે 35 વિધાનસભ્યો અને ત્રણ પ્રધાનો દિલ્હી પહોંચ્યા પછી પણ વિધાનસભ્યોએ બળવાખોરીના તેવર અપનાવ્યા છે.
કોંગ્રેસ સંસદસભ્ય રાહુલ ગાંધીએ પણ ઇચ્છા દર્શાવી છે કે ભૂપેશ બઘેલે રાજ્યનું સુકાન ટી. એસ. સિંહદેવના હાથમાં સોંપી દેવું જોઈએ. આ બધું કોઈ પણ જાતના વિવાદ વિના થવું જોઈએ, એમ સૂત્રોએ માહિતી આપી હતી.
છત્તીસગઢમાં અઢી-અઢી વર્ષ મુખ્ય પ્રધાન બનવા માટેના મુદ્દે છેલ્લા બે મહિનાથી ઘમસાણ થઈ રહ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ અને આરોગ્યપ્રધાનની વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. છત્તીસગઢ વિધાનસભામાં પ્રદેશ પ્રભારી પીએલ પુનિયાના બંને નેતાઓની સાથે બેઠક કર્યા પછી પણ કોઈ નક્કર નિર્ણય નહોતા પહોંચી શક્યા, જે પછી મુખ્ય પ્રધાન બઘેલ અને સિંહદેવની લડાઈ દિલ્હી દરબાર સુધી પહોંચી હતી. કોંગ્રેસ પાર્ટી વર્ષ 2018માં ભાજપને માત આપીને રાજ્યમાં સત્તા આવી હતી. કોંગ્રેસ પાસે એ વખતે કુલ 70 વિધાનસભ્યો છે. તેમ છતાં પાર્ટી આંતરિક બળવાના સંકટથી ઝઝૂમી રહી છે.
