અયોધ્યા રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામ તરીકે ઓળખાશે

અયોધ્યાઃ અયોધ્યા રેલવે સ્ટેશનનું બદલાઈ ગયું છે. રેલવે સ્ટેશન હવે અયોધ્યા ધામના નામથી ઓળખવામાં આવશે. રેલવે સ્ટેશનનું નામ બદલવાના આદેશ ગઈ કાલે સાંજે જારી કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બે દિવસ પહેલાં નિરીક્ષણ દરમ્યાન અયોધ્યા ધામ સ્ટેશન નામ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અયોધ્યા ધામ રેલવે સ્ટેળનનું ઉદઘાટન વડા પ્રધાન મોદીને હસ્તે 30 ડિસેમ્બરે થશે.

અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર છે. 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની તૈયારીઓનો તાગ મેળવવા ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે. PM મોદી અયોધ્યા પહોંચે તે પહેલાં ત્યાંના સાંસદ લલ્લુ સિંહે અયોધ્યા રેલવે સ્ટેશનના નામ સાથે જોડાયેલી એક મોટી જાણકારી X દ્વારા શેર કરી છે. તેમણે કહ્યું હતું કે અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું નામ હવે બદલીને ‘અયોધ્યા ધામ’ જંકશન કરવામાં આવ્યું છે.

તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અયોધ્યા જંક્શન ‘અયોધ્યા ધામ’ જંક્શન બની ગયું, ભારતના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ, લોકોની અપેક્ષા મુજબ નવા બનેલા ભવ્ય અયોધ્યા રેલ્વે સ્ટેશનના અયોધ્યા જંકશનનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે.

અયોધ્યા ધામ રેલવે સ્ટેશન બનીને તૈયાર છે અને પહેલી જાન્યુઆરીએ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. PM મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરશે. શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ વડા પ્રધાન મોદી લોકાર્પણ કરશે

તેમણે આગામી પોસ્ટમાં જણાવ્યું હતું કે જે માટે હું આદરણીય સંતો, અયોધ્યાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યામાં એક મુખ્ય માર્ગને સૂર્ય-થીમ આધારિત ‘સૂર્ય સ્તંભો’ થી શણગારવામાં આવી રહ્યો છે. દરેક 30 ફૂટ ઊંચા સ્તંભમાં સુશોભન વર્તુળ હોય છે, જે રાત્રે જ્યારે પ્રકાશ પ્રગટાવવામાં આવે છે ત્યારે સૂર્ય જેવું લાગે છે.