વિધાનસભા ચૂંટણીઃ સવારે 11 વાગ્યા સુધી 18 ટકાથી વધુ મતદાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા અને ઝારખંડની 38 સીટો પર મતદાન જારી છે, જેમાં સવારે 11 વાગ્યા સુધી 18.14 ટકા મતદાન થયું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મીરાપુર વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં ભીડે પથ્થરમારો કર્યો છે. જેને પગલે તણાવપૂર્ણ સ્થિતિ છે. ભીડને કન્ટ્રોલ કરવા માટે SSPએ મોરચો સંભાળ્યો છે. આ રીતે મુરાદાબાદની કુંદરકી સીટ પર પણ મતદાનમાં હંગામાના અહેવાલ છે.

મહારાષ્ટ્રમાં સવારે 11 વાગ્યા સુધી અહમદનગર 18.24 ટકા, અમરાવતી 17.45 ટકા, ઔરંગાબાદ 18.98 ટકા, બીડ 17.41 ટકા, ભંડારા 17.41 ટકા, ભંડારા 19.44 ટકા, ગઢચિરોળી 30 ટકા, કોલ્હાપુર 20.59 ટકા, મુંબઈ શહેર 15.78 ટકા, મુંબઈ ઉપનગર 17.99 ટકા, નાગપુર 18.90 ટકા, નાસિક 18.71 ટકા, પુણે 15.64 ટકા, રત્નાગિરિ 22.93 ટકા અને થાણેમાં 16.63 ટકા મતદાન થયું છે.

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો અને ઝારખંડની બાકીની 38 સીટો પર આજે મતદાન થઈ રહ્યું છે. . આ ઉપરાંત ઉત્તર પ્રદેશની નવ, પંજાબની ચાર અને કેરળની એક વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે. આ સાથે જ નાંદેડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. બન્ને રાજ્યોમાં મતગણતરી 23 નવેમ્બરે થશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. મતદાનના દિવસે મુંબઈ અને રાજ્યનાં અન્ય શહેરોમાં ડ્રાય ડે રહેશે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ (એકનાથ શિંદેની શિવસેના, ભાજપ અને અજિત પવારની એનસીપી) અને એમવીએ (ઉદ્ધવ ઠાકરે શિવસેના, શરદ પવાર એનસીપી અને કોંગ્રેસ) વચ્ચે ખરાખરીનો મુકાબલો છે. મહાયુતિ ગઠબંધન સત્તા ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન શાસક સરકારને હાંકી કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે.મહારાષ્ટ્રમાં નોંધાયેલા મતદારોની સંખ્યા વધીને 9,63,69,410 થઈ ગઈ છે, જે 2019માં 8,94,46,211 હતી. મહારાષ્ટ્રમાં આ વખતે 1,00,186 મતદાન મથકો હશે. જ્યારે 2019ની વિધાનસભા ચૂંટણીમાં 96, 654 મતદાન મથકો હતા. મતદારોની સંખ્યા વધવાને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આશરે છ લાખ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

મહાયુતિમાં ભાજપ 143 સીટો પર ચૂંટણી લડી રહી છે. શિવસેના (શિંદે) 81 બેઠકો પર, NCP (અજિત પવાર) 59 બેઠકો પર અને અન્ય સાથી પક્ષો છ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. એમવીએમાંથી કોંગ્રેસ 101 સીટો પર, શિવસેના (ઉદ્ધવ) 95 અને એનસીપી (શરદ પવાર) 86 સીટો પર ચૂંટણી લડી રહી છે. અન્ય સાથી પક્ષો 6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 38 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. બુધવારે 14,218 બૂથ પર 1.23 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વિધાનસભા બેઠકો માટે 14,218 બૂથ બનાવવામાં આવ્યા છે.