ઉત્તરાખંડમાં UCC સ્થાપના દિવસથી લાગુ થવાની શક્યતા

દહેરાદૂન: ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ની નિયમાવલિનો ડ્રાફ્ટ તૈયાર છે. આ નિયમાવલિનો ડ્રાફ્ટ બનાવતી સમિતિના અધ્યક્ષ શત્રુઘ્ન સિંહે CM પુષ્કર સિંહ ધામીને સચિવાલયમાં એ ડ્રાફ્ટ સોંપ્યો હતો. એ દરમ્યાન CM ધામીએ કહ્યું હતું કે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં મંત્રીમંડળની બેઠકમાં મૂકવામાં આવશે અને નિર્ણય લેવામાં આવશે કે એ કયારે લાગુ થશે.

ભાજપ ચૂંટણી પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા વચન આપી ચૂકી છે. CM પુષ્કર સિંહ ધામી સરકારે કહ્યું હતું કે UCCના નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં UCC લાગુ કરવા માટેના નિયમોનો ડ્રાફ્ટ મળ્યો છે. યુનિફોર્મ સિવિલ કોડના અમલની તારીખ નક્કી કરવા માટે ટૂંક સમયમાં કેબિનેટની બેઠક મળશે, જેમાં તે ક્યારે લાગુ કરવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.

ધામીએ 2022ની વિધાનસભા ચૂંટણીના મતદાનના બે દિવસ પહેલાં ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું હતું, જેને પૂરું કરવા તેમણે પ્રથમ કેબિનેટ બેઠકમાં એક સમિતિની રચના કરી હતી. ઉત્તરાખંડ સરકાર હવે ડ્રાફ્ટનો અભ્યાસ કરશે અને તેને રાજ્ય કેબિનેટ સમક્ષ મૂકશે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.

UCCના અમલીકરણ પછી, ઉત્તરાખંડ UCC લાગુ કરનારું સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય બનશે. ઉત્તર પ્રદેશથી અલગ થયા પછી 9 નવેમ્બર, 2000એ ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું. CM ધામીના જણાવ્યા અનુસાર, UCCને દેવભૂમિ ઉત્તરાખંડમાં 9મી નવેમ્બર એટલે કે રાજ્ય સ્થાપના દિવસથી લાગુ કરી શકાય છે.